માનવતા નેવે મુકાઈ! ડ્રાઈવરને JCB પરથી ઊંધો લટકાવીને માર મારવામાં આવ્યો, જુઓ વીડિયો…

બ્યાવર, રાજસ્થાનઃ રાજસ્થાન (Rajasthan)માં કેટલાટ અસામાજિક તત્વોએ માનવતાની તમામ હદો પાર કરી દીધી હોવાને વીડિયો વાયરલ થયો છે. રાજસ્થાનના બ્યાવર પોલીસ સ્ટેશન (Beawar Police Station) વિસ્તારમાં આ ઘટના બની છે, જેનો વીડિયો સોશિયલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, માફિયાએ એક વ્યક્તિને JCB પરથી ઊંધો લટકાવીને લાકડીથી માર મારી રહ્યા છે. માફિયાની ક્રૂરતાનો આ વીડિયો વાયરલ થયો અને લોકો આરોપી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યાં છે.
ચોરી કરવાની શંકાએ ક્રૂરતા પૂર્વક માર મારવામાં આવ્યો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ માફિયા બીજુ કોઈ નહીં પરંતુ હિસ્ટ્રીશીટર તેજપાલ સિંહ હોવાનું જાણવા મળ્યું છે. આ આરોપીએ એક વ્યક્તિને માત્ર તેલની ચોરી કરવાની શંકાએ જેસીબી પર લટકાવીને ક્રૂરતા પૂર્વક માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ આરોપીએ તેના પર વારંવાર પાણી અને મીઠું છાંટીને તેને પીડાદાયક ત્રાસ આપ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આખરે શા માટે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી?
આ વીડિયો બે દિવસ પહેલાનો હોવાનું જાણવા મળ્યું છે. આટલી મોટી ઘટના બન્યા બાદ પણ પોલીસે દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શું પોલીસે આરોપીને છાવરી રહી છે? કે પછી પોલીસના આરોપી હિસ્ટ્રીશીટર તેજપાલ સિંહ સાથે કોઈ અંગત સંબંધો છે? આવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યાં છે, આખરે શા માટે પોલીસ દ્વારા આ કેસમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. મહત્વની વાત એ છે કે, તેજપાલ સિંહ ઉદાવત સામે આ પહેલા પણ અનેક ગુનાઓ દાખલ થયેલા છે. તે અનેક વખત જેલમાં પણ ગયો છે. આમ છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ યથાવત જોવા મળી રહી છે.
સ્થાનિકોમાં તેજપાલ સિંહનો ડર ખૂબ જ વધી ગયો છે
આ મામલે ગ્રામજનોનું કહેવાનું છે કે, તેજપાલ સિંહનો ડર એટલો બધો છે કે કોઈ તેની વિરુદ્ધ ખુલ્લેઆમ બોલવાની હિંમત કરતું નથી. હવે જ્યારે વીડિયો સામે આવ્યો છે, ત્યારે પોલીસનું મૌન ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. આની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે! હવે જોવાનું એ રહે છે કે, આ મામલે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ? અને જો કાર્યવાહી કરવામાં આવશે તો તે કેવી કાર્યવાહી કરવામાં આવશે? તે હવે જોવું રહ્યું.