કેનેડામાં બેસીને રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની હત્યાનો કારસો આ રીતે રચાયો હતો….

જયપુર: કરણી સેનાના પ્રમુખની હત્યાના મામલે એક નવો ખૂલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલ પોલીસના મત મુજબ કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિહંની હત્યાના કાવતરાને કેનેડામાં રહેતાં ગેંગસ્ટરે રચી હતી. જેને રાજસ્થાનમાં અંજામ આપવામાં આવ્યો. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન પોસીસ સાથે મળીને એક સંયુક્ત અભિયાન હેઠળ કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના આક્ષેપ સાથે ચંદીગઢથી ત્રણ શંકાસ્પદ લોકોની અટક કરી છે. જેમાં બે હુમલાખોરો પણ છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી. હવે આ કેસમાં ઘણાં રોમાંચક ખૂલાસા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોગામેડીની 5મી ડિસેમ્બરના રોજ તેમના ઘરના બેઠક કક્ષમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના સીસીટીવી ફૂટેજમાં હત્યારાઓ ગોગામેડી પર કથિત રીતે ગોળી ચલાવતા દેખાય છે. પોલીસે આ બંને હુમલાખોરોની ઓળખ જયપુરના રોહિત રાઠોડ અને હરિયાણાના મહેન્દ્ર ગઢના નિતીન ફૌજી તરીકે કરી છે. અને આ આરોપીઓની ખબર આપનારને પાંચ લાખ રુપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે રાજસ્થાન પોલીસ સાથે એક સંયુક્ત ઓપરેશન ચલાવી બંને આરોપીઓને ચંદીગઢના સેક્ટર 22માંથી ઝડપી પાડ્યા હતાં. આ આરોપીઓ સાથે તેમનો એક સાથીદાર ઉધ્ધમ સિંહ પણ હતો. તેને પણ પોલીસે પકડ્યો છે. વધુ તાપસ માટે આ આરોપીઓને જયપુર પોલીસને સોંપવામાં આવશે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કાવતરાંનો માસ્ટર માઇન્ડ રાજસ્થાનનો ગેંગસ્ટર રોહિત ગોદારા હતો. પોલીસને શંકા છે કે તે કેનેડામાં રહે છે. અને પાછલાં વર્ષે પંજાબી ગાયક સિદ્ધુ મૂસવાલાની હત્યાના કેસ સાથે જોડાયેલા ગોલ્ડી બરાડ અને લોરેંસ બિશ્નોઇની ગેંગ સાથે નજીકના સંબધો ધરાવે છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગોદારાએ ગોગામેડીને મારવાનું કામ અને હજી એક શુટર નિયુક્ત કરવાની જવાબદારી વિરેન્દ્ર ચરણને સોંપી હતી.
ચરણ અને ગોદારાની મુલાકાત રાજસ્થાનના અજમેરની જેલમાં બળાત્કારના એક કેસમાં સજા ભોગવતા થઇ હતી. ગોદારાએ પોલીસને જણાવ્યું હતું કે, ગોગામેડીએ એની વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં મહત્વની ભૂમીકા ભજવી હતી. તેથી તેણે બદલો લેવાની યોજના બનાવી હતી. ચરણ ગોદારાના ગુસ્સાનો ફાયદો ઉપાડી તેને ગોગામોડીને મારવા માટે તૈયાર કર્યો હતો.