DRDOના ગેસ્ટ હાઉસમાંથી ISI એજન્ટ ઝડપાયો, સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો…

જયપુર: ભારતના સ્વદેશી શસ્ત્રો વિકસાવતી ભારત સરકારની એજન્સી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના એક ગેસ્ટ હાઉસમાંથી પાકિસ્તાના કથિત એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.
અહેવાલ મુજબ રાજસ્થાનના જૈસલમેરની ચંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ નજીક આવેલા DRDOના ગેસ્ટ હાઉસના કોન્ટ્રાક્ટ મેનેજરની મંગળવારે રાજસ્થાનની CID ઇન્ટેલિજન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી. તેના પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાનો આરોપ છે.
ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ મહેન્દ્ર પ્રસાદ તરીકે થઇ છે, જે ઉત્તરાખંડના અલ્મોરા જિલ્લાના પલ્યુનનો રહેવાસી છે. આરોપો મુજબ તે DRDOની ગુપ્ત અને વ્યૂહાત્મક માહિતી ISIને મોકલતો હતો.
કઈ રીતે પકડાયો?
રાજસ્થાનના વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા રાજ્યમાં વિદેશી એજન્ટો દ્વારા આયોજિત સંભવિત રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ રાજસ્થાન CID ઇન્ટેલિજન્સ સક્રિયપણે નજર રાખી રહ્યું છે. આ દરમિયાન, જાણવા મળ્યું કે ગેસ્ટ હાઉસનો કોન્ટ્રાક્ટ મેનેજર સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે સંપર્કમાં હતો.
પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સને મોકલતો હતો માહિતી:
અધિકારીના જણાવ્યા મુજબ આરોપી પાકિસ્તાનમાં બેઠેલા તેના હેન્ડલર્સને ફાયરિંગ રેન્જની મુલાકાત લેતા DRDO વૈજ્ઞાનિકો અને ભારતીય સૈન્ય અધિકારીઓની હિલચાલ વિશે ગુપ્ત માહિતી પૂરી પાડતો હતો. જયપુરના સેન્ટ્રલ ઇન્ટરોગેશન સેન્ટર ખાતે વિવિધ ગુપ્તચર એજન્સીઓ દ્વારા આરોપી વ્યક્તિની સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી હતી.
આરોપીના મોબાઇલ ફોનની ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે એ સંવેદનશીલ માહિતી પાકિસ્તાની હેન્ડલર સાથે શેર કરી રહ્યો હતો.