પાકિસ્તાનમાં લગ્ન કરવા નીકળેલો વરરાજો અટારી-વાઘા બોર્ડર પર અટવાયો; જાણો શું છે મામલો…

બાડમેર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ (Pahalgam terrorist attack)પહોંચ્યો છે. ભારતમાં વસતા પાકિસ્તાની નાગરીકોના વિઝા રદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના વિઝા હોવા છતાં ભારતીય નાગરીકોને પાકિસ્તાન જતા રોકવામાં આવી રહ્યા છે. ભારત સરકારે પંજાબની અટારી-વાઘા બોર્ડર પરથી અવરજવર પણ બંધ કરી દીધી છે. જેને કારણે રાજસ્થાનના એક યુવકના લગ્ન અટકી પડ્યા છે.

એક અહેવાલ મુજબ રાજસ્થાનના શૈતાન સિંહે ચાર વર્ષ પહેલાં પાકિસ્તાનના સિંધ પ્રાંતની કેસર કંવર સાથે સગાઈ કરી હતી. વરરાજાનો પરિવાર પાકિસ્તાનના વિઝા મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. અંતે ગત ફેબ્રુઆરી મહિનામાં વરરાજા અને તેના પરિવારને વિઝા મળ્યા હતાં, ત્યાર બાદ 30 એપ્રિલના રોજ પાકિસ્તાનના અમરકોટ શહેરમાં લગ્નની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ત્યાર બાદ શૈતાન સિંહના પરિવારજનો જાન લઈને અટારી બોર્ડર પહોંચ્યા ત્યારે તેમને સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવી નહીં.
લગ્નનો ઉત્સાહ ઓસરી ગયો:
એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા શૈતાન સિંહે કહ્યું, “અમે આ દિવસ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ, વર્ષોના પ્રયત્નો પછી, મને, મારા પિતા અને મારા ભાઈને તાજેતરમાં જ 18 ફેબ્રુઆરીના રોજ વિઝા આપવામાં આવ્યા હતાં.”
પરિવારજનો એ જણાવ્યું “પાકિસ્તાનથી અમારા સંબંધીઓ અહીં આવ્યા હતા પરંતુ તેમને પાછા ફરવું પડ્યું. અમે ખૂબ નિરાશ છીએ. આતંકવાદી હુમલાઓથી ઘણું નુકસાન થાય છે. સંબંધો બગડે છે. સરહદ પર અવરજવર અટકી જાય છે.”
સરહદ પાર લગ્ન કરવાની પ્રથા:
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સોઢા રાજપૂત સમુદાયની નોંધપાત્ર વસ્તી છે. કૌટુંબિક સંબંધો દ્વારા સરહદ પાર લગ્ન કરવા એ એક સામાન્ય પ્રથા છે. ઘણા લોકો સમુદાયમાં જ લગ્ન કરવાનું પસંદ કરે છે. તેમની સાંસ્કૃતિક પરંપરાઓ જાળવવા માટે સરહદ પારના લગ્ન કરવાનું પસંદ કરવામાં આવે છે.
હાલ ઉભી થયેલી પરિસ્થિતિને કારણે બંને પક્ષે પરિવારોને નિરાશામાં ગરકાવ થઇ ગયા છે. સરહદ પાર લગ્ન સમારંભ હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. જો કે વરરાજા અને પરિવારના વિઝા 12 મે સુધી માન્ય છે, જેનાથી પરિવારોને હજુ પણ આશા છે, પરિવારને આશા છે કે જો સરહદ સમયસર ફરી ખુલશે તો લગ્ન હજુ પણ થઈ શકે છે. રાજસ્થાનના બાડમેરન લોકોના સંબંધીઓ પાકિસ્તાનમાં રહે છે. હાલ માટે, તેમનો પરિવાર એવી આશામાં રાહ જોઈ રહ્યો છે કે પરિસ્થિતિ સુધરશે અને લગ્ન આગળ વધવા માટે સરહદ સમયસર ખુલશે.
આપણ વાંચો : અમને એ નરકમાં પાછા ન મોકલોઃ પાકિસ્તાનથી આવેલા હિન્દુઓની સરકારને વિનંતી