Rajasthan સરકારે વહીવટી સરળતા માટે લીધો આ મોટો નિર્ણય
જયપુર: રાજસ્થાનની(Rajasthan)સરકારે વહીવટી સરળતા માટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેતા નવ જિલ્લા અને ત્રણ ડિવિઝન રદ કર્યા છે. ભજનલાલ શર્મા કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં 41 જિલ્લા અને સાત ડિવિઝન હશે. જેમાં રાજસ્થાનના ડુડુ, કેકરી, શાહપુરા, નીમકથાણા, ગંગાપુર શહેર, જયપુર ગ્રામીણ, જોધપુર ગ્રામીણ, અનુપગઢ, સાંચોર જિલ્લાઓને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય પાલી, સીકર અને બાંસવાડા(વાંસવાડા) ડિવિઝનને પણ રદ કરવામાં આવ્યા છે.
રાજસ્થાનના નવ જિલ્લાઓને નાબૂદ કર્યા પછી હવે બાલોત્રા, ખૈરથલ-તિજારા, બ્યાવર, કોટપુતલી-બેહરોર, ડીડવાના-કુચમન, ફલોદી અને સલંબુર જિલ્લાઓ નવા રચાયેલા જિલ્લાઓ રહેશે.
આ પણ વાંચો: રાજસ્થાન હાઇ કોર્ટને મળશે ત્રણ નવા જજઃ કોલેજિયમે કરી ભલામણ
લાંબા સમય સુધી રાજ્યમાં 26 જિલ્લા હતા
ભજનલાલ શર્માની કેબિનેટ બેઠક બાદ મંત્રી જોગારામ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “1956માં રાજસ્થાનની રચના થયા બાદ લાંબા સમય સુધી રાજ્યમાં 26 જિલ્લા હતા. ત્યારબાદ બાદમાં વધુ સાત જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જ્યારે અગાઉ કોંગ્રેસ સરકાર પાસે 17 નવા જિલ્લા અને ત્રણ વિભાગ બનાવવાનો ગેહલોત સરકારનો આ નિર્ણય વસ્તીના આધારે કરવામાં આવ્યો હતો.
આ નવા જિલ્લાઓની રચના ગેહલોત સરકારે કરી હતી
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની અગાઉની અશોક ગેહલોત સરકારે 17 નવા જિલ્લાઓ સાથે ત્રણ નવા ડિવિઝન બનાવ્યા હતા. આ નવા જિલ્લાઓમાં જયપુર ગ્રામીણ, બાલોત્રા, ડીડવાના, ફલોદી, અનુપગઢ, જોધપુર ગ્રામીણ, સલુમ્બર, સાંચોર, શાહપુરા, નીમકથાણા, ગંગાપુર શહેર, ખૈરતાલ ડીગ, કોટપુતલી, બ્યાવર, કેકરી અને દુડુનો સમાવેશ થાય છે. સીકર, પાલી અને બાંસવડ વિભાગોને ગેહલોત સરકાર દ્વારા નવા વિભાગ બનાવવામાં આવ્યા હતા.