રાજનાથ સિંહ, વિનોદ તાવડે પર મોટી જવાબદારી: ભાજપે જાહેર કર્યા ત્રણ રાજ્યો માટે નિરિક્ષકના નામ
નવી દિલ્હી: ભાજપે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નિરિક્ષકોની નિમણૂંક કરી છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેયને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનના પદ માટે ખેંચતાણ ચાલી રહી છે. વસુંધરા રાજેએ વિધાનસભ્યોને ભેગા કરી વરિષ્ઠો સામે શક્તી પ્રદર્શન કર્યુ છે. જ્યારે એક પૂર્વ વિધાનસભ્યએ તેના પુત્ર સહિત 60 વિધાનસભ્યોને એક રિસોર્ટમાં પકડી રાખ્યા હોવાનો આક્ષેપ વસુંધરા રાજે પર કર્યો હતો.
બીજી બાજુ મધ્ય પ્રદેશમાં પણ મુખ્ય પ્રધાન પદ માટે કેન્દ્રમાંથી પ્રધાન પદ છોડીને રાજ્યમાં આવેલા તોમર સાથે આથમી રહેલા મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ તથા મહાસચિવ વિજયવર્ગીયના નામો ચર્ચામાં છે. આ કારણોસર દિલ્હીમાં જોરદાર બેઠકો ચાલી રહી છે. આવતા રવિવાર સુધી ત્રણે રાજ્યના મુખ્ય પ્રધાનના નામ પર મહોર લાગવાની છે.
મુખ્ય પ્રધાનની નિમણૂંક બાદ આંતરિક બાબતો પર ધ્યાન આપવા માટે તથા મુખ્ય પ્રધાન પદની શપથ વિધી માટે ભાજપે ત્રણે રાજ્યમાં નિરિક્ષકોની નિમણૂંક કરી છે. રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેયને રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર, કે લક્ષ્મણ, આશા લકડાને મધ્ય પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. છત્તીસગઢ માટે અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ અને દુષ્યંત ગૌતમમી નિમણૂંક કરવામાં આવી છે.