
જયપુરઃ રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન ભજનલાલ માટે આજનો દિવસ ઘણો શુભ છે. પોતાના જન્મદિવસ પર તેઓ રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. સીએમ તરીકે શપથ લેતા પહેલા ભજનલાલ શર્માએ પોતાના માતા-પિતાના પગ ધોયા હતા અને તેમના આશિર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ તેમણે સંત મૃદુલ કૃષ્ણના ચરણોમાં નમીને આશીર્વાદ લીધા હતા.
પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ઉપરાંત કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાનો તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. પીએમ મોદી મંચ પર પહોંચ્યા બાદ શપથ ગ્રહણ સમારોહ શરૂ થયો હતો. ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત, ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી અને અન્ય નેતાઓ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા. શપથ સમારોહમાં મુખ્ય પ્રધાન ભજનલાલ પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. આ સાથે જ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. રાજ્યના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ તેમને શપથ લેવડાવ્યા હતા.
રાજસ્થાનના આઉટગોઇંગ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત શુક્રવારે નવા મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં મંચ પર કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતની નજીક બેઠા હતા અને તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આલ્બર્ટ હોલની સામે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.. ગેહલોત એ નેતાઓમાં સામેલ છે જેઓ આ સમારોહમાં સૌથી પહેલા પહોંચ્યા હતા. તેઓ મંચ પર પૂર્વ વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, વિપક્ષના ભૂતપૂર્વ નાયબ નેતા સતીશ પુનિયા અને કેન્દ્રીય પ્રધાન શેખાવતને ઉષ્માપૂર્ણ રીતે મળ્યા હતા. મીટિંગ બાદ શેખાવત અને ગેહલોત નજીકમાં બેસીને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે પણ મંચ પર પહોંચ્યા હતા.