નેશનલ

રાજસ્થાન કેબિનેટ વિસ્તરણમાં વિલંબ પર ગેહલોતે ઉઠાવ્યા સવાલ

જયપુરઃ આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે રાજસ્થાનના પ્રથમ વખત વિધાન-સભ્ય ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન તરીકે ચૂંટ્યા છે. ભજનલાલ શર્માએ 12 ડિસેમ્બરે બે વિધાન સભ્ય દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા સાથે શપથ લીધા હતા. ત્યાર બાદ હજી સુધી મંત્રી પદની વહેંચણીના કોઇ સમાચાર નથી. આ મુદ્દે કૉંગ્રેસને હવવે ભાજપની ટીકા કરવાનો મોકો મળી ગયો છે. રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાને ત્રી પદની વહેંચણીમાં વિલંબ પર સવાલ ઉઠાવ્યા છે. ગેહલોતે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારના દરેક વિભાગમાં ગૂંચવણ છે, જેને કારણે અહીંના લોકોમા નિરાશા છે. વિધાનસભાના ચૂંટણી પરિણામના 22 દિવસ પછી પણ તેમના મંત્રીઓ કોણ છે તે જાણતા નથી.

રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. આવી સ્થિતિમાં મંત્રી પદની વહેંચણીમાં વિલંબ પર સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન થયું હતું, જેમાં ભાજપે 115 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. કરણપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. આ બેઠક પર હવે 5 જાન્યુઆરીએ મતદાન થશે.


અશોક ગેહલોતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારે નિરાશા છે…. કારણ કે રાજસ્થાનની જનતાએ 3 ડિસેમ્બરના રોજ ભાજપને સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો, પણ આજે 22 દિવસ બાદ પણ પ્રધાન મંડળનું ગઠન થયું નથી. એને કારણે સરકારી કામકાજ પણ ઠપ્પ થઇ ગયા છે. લોકોમાં અસંમજસની સ્થિતિ છે. લોકોને ખબર જ નથી પડતી કે પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે કોની પાસે જવાનું? તેથી વહેલામાં વહેલી તકે કેબિનેટનું ગઠન કરવું જોઇએ, જેથી સરકારી કામકાજ સરળતાથી આગળ વધી શકે.


ગેહલોતે એમ પણ જણાવ્યું હતું કે, તેમને મીડિયામાંથી એવી પણ માહિતી મળી છે કે ખાનગી હોસ્પિટલો તેમની સરકારની ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ સારવારનો ઇનકાર કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, “વર્તમાન સરકારે અમારી યોજનાઓ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ, જેથી લોકોને હેરાનગતિ ન થાય. નવી યોજનાઓ લાગુ ન થાય ત્યાં સુધી તેમણે અમારી યોજનાઓ ચાલુ રાખવી જોઈએ.”


નોંધનીય છે કે ભાજપે રાજસ્થાનના વિધાન સભ્ય ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન તરીકે ચૂંટ્યા છે. ભજનલાલ શર્માએ 12 ડિસેમ્બરે બે વિધાનસભ્ય (દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા) સાથે શપથ લીધા હતા, પરંતુ અન્ય મંત્રીઓના નામની જાહેરાત કરવાની હજી બાકી છે. જોકે, આ દરમિયાન સાંભળવા મળ્યું હતું કે ભજનલાલ શર્મા બે વખત દિલ્હી આવ્યા હતા અને યાદી લગભગ ફાઈનલ છે.


ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ રાજ્ય એકમ શપથ ગ્રહણ કાર્યક્રમ માટે હાઈકમાન્ડ તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યું છે. શપથ ગ્રહણ કાર્યક્રમ આગામી બે દિવસમાં ગમે ત્યારે થઈ શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નવી કેબિનેટમાં અનુભવી નેતાઓ અને કેટલાર એવા વિધાનસભ્યોપણ હશે જેઓ પ્રથમ વખત મંત્રી બન્યા છે. રાજસ્થાનમાં અગાઉની ભાજપ સરકારની વસુંધરા રાજે કેબિનેટના કેટલાક ચહેરાઓને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રીઓની પસંદગીમાં જ્ઞાતિ સમીકરણો અને લોકસભાની ચૂંટણી મહત્વના મુદ્દા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button