
બુંદી : રાજસ્થાનના બુંદી જિલ્લામાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં ખાટુ શ્યામના(Khatu Shyam) દર્શન કરવા જઇ રહેલા છ શ્રધ્ધાળુઓના મૃત્યુ થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. આ અંગે માહિતી આપતા બુંદીના અધિક પોલીસ અધિક્ષક ઉમા શર્માએ જણાવ્યું હતું કે અજાણ્યા વાહને શ્રધ્ધાળુઓ ભરેલી કારને ટક્કર મારતાં છ લોકોનાં મોત થયાં હતાં. પોલીસે જણાવ્યું કે મધ્યપ્રદેશથી એક પરિવારના 9 લોકો કારમાં ખાટુશ્યામ દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અજાણ્યા વાહન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનામાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના હિડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના જયપુર નેશનલ હાઈવે પર બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ ઘાયલો મધ્ય પ્રદેશના રહેવાસી છે. કારને ટક્કર મારનાર અજાણ્યા વાહનની શોધખોળમાં પોલીસ વ્યસ્ત છે. હાઇવે પર લાગેલા સીસીટીવી કેમેરા અને ટોલ પ્લાઝા પર લગાવેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ પરથી અજાણ્યા વાહન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ
આ ઘટના અંગે પોલીસ અધિકારીનું કહેવું છે કે સવારે 4.30 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને પહેલા હોસ્પિટલ લઈ ગઈ. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અગાઉ પણ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં એક કારે બે મોટરસાઈકલને ટક્કર મારી હતી. આ ઘટનામાં છ લોકોના મોત પણ થયા હતા.