અયોધ્યા રામ મંદિરમાં યોજાશે વધુ એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો આ વખતે શું હશે ખાસ

અયોધ્યા: ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી (Ram Mandir Pranpratishtha) હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને એક વર્ષથી વધુ સમય વીતી ચુક્યો છે. દરમિયાન, એવા અહેવાલો છે કે રામ મંદિરમાં આવતા મહિને વધુ એક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. આ સમારોહમાં ભગવાન રામને રાજા તરીકે સ્થાપિત કરવામાં આવશે, ત્યારબાદ આ મહિનાના અંતમાં મંદિરના પહેલા માળે રામ દરબાર(Ram Durbar)ની સ્થાપના કરવામાં આવશે.
એક અખબારી અહેવાલ મુજબ, આ સમારોહની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે ગયા વર્ષે 22 જાન્યુઆરીએ યોજાયેલા ભવ્ય સમારોહ કરતા આ સમારોહ નાનો હશે. આ કાર્યક્રમ સાથે મંદિરના બાંધકામનું સમાપન જાહેર કરવામાં આવશે.
આપણ વાંચો: બંગાળનાં નંદીગ્રામમાં ભવ્ય રામ મંદિરનો શુભેન્દુ અધિકારીએ કર્યો શિલાન્યાસ…
મંદિર નિર્માણ સમિતિએ શું કહ્યું?
મંદિર નિર્માણ સમિતિનું નેતૃત્વ હાલમાં વડાપ્રધાનના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા કરી રહ્યા છે. વર્ષ 2020માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બાંધકામની દેખરેખ માટે એક સમિતિની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
નૃપેન્દ્ર મિશ્રાએ તાજેતરમાં કહ્યું હતું કે મંદિર સંકુલનું બાંધકામ આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે જ્યારે પરકોટા અથવા સંકુલ દિવાલનું બાકીનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.
તેમણે કહ્યું, “મંદિરમાં લગભગ 20,000 ઘન ફૂટ પથ્થર લગાવવાનો કરવાનો બાકી છે. મંદિરનું બાંધકામ 15 એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે. મંદિરની બહાર કે અંદરની બધી મૂર્તિઓ 30 એપ્રિલ સુધીમાં અહીં લાવવામાં આવશે અને લગભગ બધી મૂર્તિઓ 15 એપ્રિલ સુધીમાં સ્થાપિત થઈ જશે.”