રાજા રઘુવંશી હત્યા કેસ: સોનમના ગુમ થયેલા ઘરેણાંનું રહસ્ય અને સિલોમ જેમ્સની સંડોવણી | મુંબઈ સમાચાર

રાજા રઘુવંશી હત્યા કેસ: સોનમના ગુમ થયેલા ઘરેણાંનું રહસ્ય અને સિલોમ જેમ્સની સંડોવણી

ઇન્દોર: રાજા રઘુવંશી હત્યાકાંડના કેસે સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. રાજા રઘુવંશીની હત્યાને અંજામ આપનાર સોનમ રઘુવંશી, રાજ કુસ્વાહ તથા તેના ચાર સાગરિતોની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સિવાય હવે તેમની સાથે સિલોમ જેમ્સ નામના વ્યક્તિનું નામ પણ જોડાયું છે. આ શખસે સોનમના ઘરેણાં છૂપાવ્યા હોવાની પોલીસને આશંકા છે. કારણ કે હનીમૂન ટ્રીપ પર ગયેલી સોનમ રઘુવંશી પાસે લાખોની કિંમતના ઘરેણાં હતા.

સોનમ રઘુવંશીના પાસે હતા 16 લાખના ઘરેણાં

રાજા રઘુવંશી હત્યાકાંડના કેસમાં દરરોજ અવનવા ખુલાસા થઈ રહ્યા છે. સોનમ રઘુવંશીને લગ્ન સમયે તેના સાસરી પક્ષ તરફથી 16 લાખની કિંમતના ઘરેણા આપવામાં આવ્યા હતા. આ સિવાય રાજા રઘુવંશી પાસે પણ કેટલાક ઘરેણાં હતા. રાજા રઘુવંશીની હત્યા બાદ આ ઘરેણાં ગુમ થઈ ગયા હતા. જેની પણ પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

શિલોંગથી રાજાની હત્યા કરીને આવ્યા બાદ સોનમ રતલામ ખાતે એક ફ્લેટમાં રોકાઈ હતી. આ ફ્લેટ તેને સિલોમ જેમ્સ નામના બ્રોકરે અપાવ્યો હતો. સાથોસાથ તેણે હત્યા બાદ સોનમની ધરપકડ બાદ તેના સામાનને સલામત જગ્યાએ છૂપાવી દીધો હતો. જેથી મેઘાલય પોલીસે સિલોમ જેમ્સના તપાસ હાથ ધરી હતી.

સિલોમ જેમ્સની સાસરીમાંથી મળ્યા ઘરેણાં

સિલોમ જેમ્સની સાસરી રતલામ ખાતેથી પોલીસને રાજા રઘુવંશીના ઘરેણાં અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સાથોસાથ અન્ય મહત્ત્વની સામગ્રી મળી આવી હતી. જેમાં એક લેપટોપનો પણ સમાવેશ થાય છે. આ લેપટોપ સોનમ રઘુવંશીનું હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે રાજા રઘુવંશીના પરિવારજનો પાસેથી લગ્નના ફોટો અને વીડિયો માંગ્યા છે. જેથી તેઓને મળેલા ઘરેણાંની ઓળખ કરી શકાય. આમ, સોનમની મદદ કરવામાં સિલોમ જેમ્સની સક્રિય ભાગીદારી પણ સામે આવી છે.

લોકેન્દ્રની ધમકીને કારણે સિલોમે કરી ચોરી

મેઘાલય પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી SITએ સિલોમ જેમ્સની પૂછપરછ પણ કરી હતી. જેમાં સિલોમ જેમ્સે સોનમ અને રાજનો સામાન ચોરી કર્યાની વાતની કબૂલાત કરી હતી. સાથોસાથ એમ પણ કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટર લોકેન્દ્ર તોમરના દબાણથી તેણે આ કામ કર્યું હતું.

સિલોમે લોકેન્દ્ર તોમરનો ફ્લેટ સોનમને અપાવ્યો હતો. સોનમની ધરપકડની વાત જાણ્યા બાદ લોકેન્દ્રએ સિલોમને ફ્લેટ ખાલી કરવા દબાણ કર્યું હતું અને ડિપોઝિટ જપ્ત કરવાની પણ ધમકી આપી હતી. જેથી સિલોમે સોનમ અને રાજના સામાનની બે બેગ પોતાની પત્નીના પિયર રતલામ ખાતે છૂપાવી દીધો હતો. એક બેગમાં ઘરેણાં અને પાંચ લાખ રૂપિયા મળી આવ્યા હતા.

સોનમના લેપટોપમાંથી પોલીસને મળશે પુરાવા?

ઉલ્લેખનીય છે કે, સિલોમ જેમ્સે આપેલા બયાનની મેઘાલય પોલીસની ટીમ ઉલટતપાસ પણ કરી રહી છે. સાથોસાથ રાજા રઘુવંશીના પરિવારજનો પોલીસને મળી આવેલા સોનમ રઘુવંશીના લેપટોપની તપાસ કરવાની પણ માંગ કરી રહ્યા છે. જેનાથી પણ પોલીસને અવનવા પુરાવા મળી શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button