નેશનલ

રાજા રઘુવંશી હત્યા કેસમાં આ રીતે પોલીસની રડારમાં આવ્યો સિલોમ જેમ્સ…

શિલોંગઃ રાજા રઘુવંશી હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો હતો. આ કેસમાં પત્નીએ જ પતિની હત્યા કરાવી હોવાનું ખૂલ્યું હતું. હાલ કેસની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન વધુ એક પાત્ર સામે આવ્યું હતું. સિલોમ જેમ્સના નામના પ્રોપર્ટી ડીલરનું નામ સામે આવ્યું છે. જે ન માત્ર હત્યામાં સામેલ હતો પરંતુ તેણે પૂરાવાનો નાશ કરવા અને તેને છુપાવ્યા હોવાની શંકા છે. એસઆઈટી આ સંદર્ભમાં ઈન્દોરથી લઈ રતલામ સુધી દરોડા પાડી રહી છે અને તેમાં મળેલી વસ્તુઓ આ કેસનો નવો વળાંક આપી શકે છે.

સિલોમ જેમ્સ પર પોલીસનું ધ્યાન
રાજા રઘુવંશી હત્યાકાંડની જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ આ હાઈ-પ્રોફાઈલ કેસમાં આરોપી સિલોમ જેમ્સ પોલીસ માટે એક કોયડો બનીને સામે આવ્યો છે. શિલોંગ પોલીસની SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) એ 28 જૂને ઇન્દોરમાં સિલોમ જેમ્સના એમઆર-3 સ્થિત ઘરે દરોડો પાડ્યો હતો. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સોનમ રઘુવંશીના દાગીનાથી ભરેલા કાળા બેગની શોધ કરવાનો હતો. આ બેગ માત્ર કેસમાં સિલોમની ભૂમિકાને જ નહીં, પરંતુ તપાસની દિશા પણ બદલી શકે છે.

ઇન્દોર અને રતલામમાં દરોડા
પોલીસ સૂત્રો અનુસાર, સિલોમ જેમ્સ પર તેણે સોનમની બેગ ગાયબ કરી હોવાનો આરોપ છે. બેગમાં રાજા રઘુવંશીના દાગીના, એક લેપટોપ અને સંભવતઃ હત્યામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર પણ સામેલ હતું. સિલોમ માત્ર સામાન છુપાવવામાં જ નહીં, પરંતુ સમગ્ર હત્યાકાંડના કાવતરામાં પણ સામેલ હોવાની એસઆઈટીને શંકા છે. આ જ શંકાને કારણે, ઇન્દોર ઉપરાંત, રતલામ અને અન્ય સંભવિત ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

સિલોમ જેમ્સ એક પ્રોપર્ટી ડીલર છે, જેણે પહેલા આરોપી વિશાલને તે ફ્લેટ અપાવ્યો હતો જેમાં રાજ અને સોનમ હત્યા પછી છુપાયા હતા. આ હકીકત તેને માત્ર એક મૂક દર્શક નહીં, પરંતુ એક સક્રિય કાવતરાખોર તરીકે દર્શાવે છે. શું સિલોમને હત્યાની યોજના પહેલેથી જ ખબર હતી કે પછી તે હત્યા પછી જ આ કાવતરાની જાળમાં ફસાયો તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેની ભૂમિકાને લઈને સતત શંકા વધુ ગાઢ બની રહી છે.

શિલોંગ એસઆઈટીએ રતલામમાં આવેલા સિલોમ જેમ્સના સાસરીમાં પણ તપાસ કરી અને ત્યાંથી એક શંકાસ્પદ બેગ જપ્ત કરી હતી. આ બેગમાંથી સોનમના દાગીના અને એક લેપટોપ મળ્યા છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. આ બેગ ઘરના રસોડામાં છુપાવવામાં આવી હતી. જેને સિલોમ અથવા તેની પત્નીએ ત્યાં રાખ્યો હતો. આ પુરાવા કેસને સીધા સિલોમ જેમ્સ તરફ દોરી જાય છે.

આ દરોડા પહેલા રતલામમાં રવિવારે હલચલ મચી રહી હતી. SITની ગુપ્ત ગતિવિધિઓની ખબર સવારથી જ શહેરમાં ફેલાઈ ચૂકી હતી. બપોર સુધી ટીમ આવવાની અટકળો ચાલતી રહી, અને પછી આશરે ત્રણ વાગ્યે પોલીસ આવી હતી. ત્યારબાદ ટીમ સિલોમને લઈને તેના સાસરી પહોંચી હતી અને ત્યાંની તલાશી લીધી, જેનાથી તેના કાવતરામાં સામેલ થવાની સંભાવના વધુ પ્રબળ બની ગઈ હતી.

આપણ વાંચો : રાજા રઘુવંશીની હત્યા કેસમાં પરિવારે કર્યાં ચોંકાવનારા ખુલાસા, બંનેએ નશામાં…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button