ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ માટે વરસાદ કે ક્લાઉડ સીડિંગ પર ભરોસો ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને રોકવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આપણે વરસાદ પર કે ક્લાઉડ સીડીંગ પર આધાર રાખીને આળસુ થઈને બેસી શકતા નથી. સરકારે કંઈક અસરકારક રીતે કરવું પડશે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન અરજદારના વકીલે આગની વધતી જતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને તેને તાત્કાલિક કાબૂમાં લેવા માટેનો આદેશ આપવા વિનંતી કરી હતી.
વકીલે કોર્ટને કહ્યું હતું કે બે વર્ષ પહેલાં પણ એનજીટીમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અત્યાર સુધી સરકારે તેના પર કોઈ પગલાં લીધા નથી. તેથી જ મારે અહીં સુધી આવવું પડ્યું છે. આ બાબત સમગ્ર ભારતની છે. ઉત્તરાખંડ તેનાથી વધુ પીડિત છે. સરકારે જંગલમાં લાગેલી આગની ઘટનાઓ અને તેને કાબૂમાં લેવાનાં પગલાંની વિગતો આપી હતી.
સરકારે કહ્યું કે અત્યાર સુધીમાં જંગલોમાં આગ લાગવાની 398 ઘટનાઓ નોંધાઈ છે. 350 થી વધુ ફોજદારી ગુના નોંધાયા છે જેમાં 62 લોકોનાં નામ છે. 298 અજાણ્યા લોકોની ઓળખ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ ચાલુ છે. કેટલાક લોકોની પૂછપરછ માટે અટકાયત પણ કરવામાં આવી છે.
અરજદારે કહ્યું કે સરકાર જેટલી સરળતા સાથે વિગતો આપી રહી છે તેના કરતાં સ્થિતિ વધુ ગંભીર છે. જંગલમાં રહેતા પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિઓ તેમજ આસપાસમાં રહેતા રહેવાસીઓના અસ્તિત્વ સામે ગંભીર ખતરો છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે શું આપણે આમાં સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીનો પણ સમાવેશ કરી શકીએ?
આપણ વાંચો: ઉત્તરાખંડના જંગલોમાં આગપ્રકોપ : અત્યાર સુધી પાંચના મોત, હવામાન વિભાગની આગાહીથી રાહતના એંધાણ
અમે વરસાદ પર આધાર રાખી શકતા નથી
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને કહ્યું કે તમે જોયું જ હશે કે મીડિયામાં જંગલમાં લાગેલી આગની કેટલી ભયાનક તસવીરો આવી રહી છે. રાજ્ય સરકાર શું કરી રહી છે?
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને લઈને જસ્ટિસ સંદીપ મહેતાએ કહ્યું હતું કે આપણે વરસાદ અને ક્લાઉડ સીડિંગ પર નિર્ભર ન રહી શકીએ. સરકારે જલ્દી આગળ વધીને અસરકારક પગલાં લેવા પડશે.
સરકારે શું કહ્યું?
ઉત્તરાખંડ સરકારે કહ્યું કે આગની મોસમ બે મહિના સુધી ચાલે છે. દર ચાર વર્ષે જંગલમાં ભીષણ આગ લાગે છે. આ પછી આગામી વર્ષોમાં બનાવ ઘટતા જાય છે. ચોથા વર્ષમાં ફરી ઘણા વધારે બનાવ નોંધાય છે. કોર્ટે કહ્યું કે આ મામલે અમારે જોવું પડશે કે સેન્ટ્રલ હાઈ પાવર્ડ કમિટી કેવી રીતે સામેલ થઈ શકે છે. હવે કોર્ટ આગામી સુનાવણી 15 મેના રોજ હાથ ધરશે.
ઉત્તરાખંડમાં છ મહિનામાં 1,145 હેક્ટરનું જંગલ નાશ પામ્યું છે.
આ વખતે મામલો વધુ ગંભીર છે કારણ કે ગયા વર્ષે લાગેલી આગ હજી સુધી ઓલવાઈ રહી નથી. આંકડા મુજબ છેલ્લા છ મહિનામાં જંગલમાં લાગેલી આગને કારણે 1,145 હેક્ટર જંગલનો નાશ થયો છે. આગની અસર હવે શહેરોમાં પણ થઈ રહી છે. ધુમાડાના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે.
દરમિયાન, સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એરફોર્સના હેલિકોપ્ટર પણ અલગ-અલગ ટેકનિકનો ઉપયોગ કરીને આગ ઓલવવામાં રોકાયેલા છે, એવી માહિતી સરકાર દ્વારા આપવામાં આવી છે.