હિમાચલમાં વરસાદી આફત: 10 મૃત્યુ, 34 ગુમ; સેંકડોનું સ્થળાંતર
મંડી, ચંબા અને હમીરપુરમાં ભારે વરસાદથી તબાહી, રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં

મંડી: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરેથી તબાહીના દ્રશ્યો સર્જાયા છે. મંડીમાં છેલ્લા 30 કલાકમાં મહેર બનતો વરસાદ કહેર બની વરસ્યો છે. અત્યાર સુધીમાં આ આફતે 10 લોકોના જીવ લીધા, જ્યારે 34 લોકો ગુમ થયા છે. આભ ફાટ્યાની સ્થિતીમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મંડી સહિત ચંબા અને હમીરપુરમાંથી 333 લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે.
આજે રાહતના આસાર
મંડી જિલ્લામાં ગોહર, કરસોગ અને ધર્મપુર ઉપમંડળોમાં ઘણી જગ્યાએ આભ ભાટ્યું હતું. ગોહરના સ્યાંજમાં 2, બડામાં 2, કરસોગના જૂના બજારમાં 1, થુનાગમાં 1, ધાર જરોલમાં 1, તલવાડામાં 1 અને જોગિન્દરનગરમાં 1 મોતની પુષ્ટિ થઈ. આ ઉપરાંત, સ્યાંજમાં બે પરિવારના 9 લોકો ગુમ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ સતત વરસાદ બાદ આખરે 2 જુલાઈના સુરજ ઉગ્યો હતો, જેનાથી રસ્તા ખોલવાનું કામ શરૂ થયું, પરંતુ સરાજ વિસ્તારનો સંપર્ક હજુ કપાયેલો છે.
આ પણ વાંચો: હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી તબાહી, આઠ મકાન તણાયા, આજે પણ વરસાદનું રેડ એલર્ટ
બચાવ અને રાહત કાર્ય
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમો ગોહર, કરસોગ અને થુનાગમાં બચાવ કામગીરી યથાવત્ છે. મંડીમાં 316, હમીરપુરમાં 51 અને ચંબામાં 3 લોકોને બચાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, પાંડોહ ડેમમાંથી 1.5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું, જેનાથી બિયાસ નદી ઉફાણ પર છે. મંડીના પાંડોહ બજારને રાત્રે ખાલી કરાવવામાં આવી. રાહત શિબિરોમાં લોકોને ખોરાક અને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આફતનો વરસાદ
આ બનાવથી 24 ઘર, 12 ગૌશાળા અને 30 પશુઓનું નુકસાન થયું. 406 રસ્તાઓ બંધ થયા, જેમાંથી 248 મંડીમાં છે. 1515 વીજ ટ્રાન્સફોર્મર અને 171 જળ પુરવઠા યોજનાઓ ખોરવાઈ. જિલ્લા પ્રશાસને 1070 અને 1077 નંબરો પર સંપર્ક કરવા અપીલ કરી છે. ભારે વરસાદની ચેતવણીને ધ્યાને રાખીને લોકોને સલામતસ્થળે રહેવા અને “સચેત” એપ ઇન્સ્ટોલ કરવા જણાવાયું છે.