
નવી દિલ્હી: હરિયાણામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વિનાશના દ્રશ્યો સર્જાયા છે. આ આકાશી આફતમાં ઘણા મકાન તૂટી ગયા છે, મોટા પાયે જાનહાનિ પણ થઈ છે. જેમાં બાળકો પણ સામેલ છે.
મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર પીડિતોને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, જેથી લોકોને ઝડપથી રાહત મળી શકે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે ફતેહાબાદ, ભિવાની અને કુરુક્ષેત્ર જેવા જિલ્લાઓમાં મકાન તૂટવાની ઘટનાઓમાં 12 વ્યક્તિઓના મોત થયા છે. ભિવાનીના કલિંગા ગામમાં તો ત્રણ બાળકીઓનું મોત થયું હતું.

મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં, મંત્રીમંડળના તમામ સભ્યો, ભાજપના વિધાનસભ્યો અને ત્રણ અપક્ષ વિધાનસભ્યો પોતાના એક મહિનાના પગારને રાહત કાર્યો માટે દાન કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
અસરગ્રસ્ત જિલ્લાઓ માટે 3.26 કરોડ રૂપિયાનું રિઝર્વ ફંડ જાહેર કરવામાં આવ્યુ છે. જેનો ઉપયોગ ખોરાક, કપડા, અસ્થાયી આશ્રયસ્થળ અને પશુઓ ચારાની વ્યવસ્થા માટે કરવામાં આવી રહ્યો છે.
સરકારે ‘ઈ-ક્ષતિપૂર્તિ પોર્ટલ’ શરૂ કર્યું છે, જ્યાં ખેડૂતો પોતાના પાક નુકસાનની ફરિયાદ નોંધાવી શકે છે. અત્યાર સુધીમાં 5,217 ગામોના 2,53,440 ખેડૂતોએ 14.91 લાખ એકર જમીનનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અધિકારીઓને ડ્રોનથી સર્વે કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
વિસ્થાપિત પરિવારો માટે રાહત કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે અને ફસલ નુકસાન માટે પ્રતિ એકર 15,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. વધુમાં, ચારાની અછતને પહોંચી વળવા અન્ય જિલ્લાઓમાંથી સૂકા ચારાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ હવે જ પીડિતોને મળવા આવ્યા છે, અગાઉ તો તેઓ માત્ર સોશિયલ મીડિયા પર જ નિવેદનો આપીને બેસી રહેતા હતા. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર વ્યંગ્ય કરતાં કહ્યું કે જ્યારે દેશમાં આફત આવે ત્યારે કોંગ્રેસનો યુવરાજ વિદેશ જતો રહે છે, જ્યારે વડાપ્રધાન મોદી હંમેશા લોકો વચ્ચે ઊભા રહે છે.

આ ઉપરાંત ચોમાસાની સિઝન દરમિયા દેશભર વિવિધ સ્થળે વિનાશ વેરાયો છે. જેમાં સૌથી વધુ પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ જેવા ઉત્તર ભારતના રાજ્યો પ્રભાવિત થયા છે. અત્યારે સુધીમાં ભારે વરસાદ અને પૂરના કારણે પંજાબમાં 48 લોકોના મોત થયા, તો 1,400 ગામો ડૂબ્યા અને 1.72 લાખ હેક્ટર ખેતરોનો પાક બરબાદ થયો છે.
જ્યારે હરિયાણામાં 12 લોકોના મોત અને 14.91 લાખ એકર ખેતીનું નુકસાન થયું. હિમાચલમાં 341 મોત અને ₹3,526 કરોડનું નુકસાન, જ્યારે જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ પૂર, ભૂસ્ખલન અને વાદળફાટથી ઘણી જાનહાનિ અને મિલકતનું નુકસાન થયું હતુ.
આ પણ વાંચો…પંજાબ સરકારની પૂર પીડિત ખેડૂતો માટે મોટી જાહેરાત: ભગવંત માન હોસ્પિટલમાંથી કેબિનેટ બેઠકમાં જોડાયા