નેપાળથી ઉત્તરાખંડ સુધી વરસાદી આફત, બિહાર, ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં એલર્ટ
નવી દિલ્હીઃ નેપાળથી લઈને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે, જ્યારે અનેક જિલ્લા-શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીમાં ગરકાવ થવાને કારણે અમુક જિલ્લામાં વરસાદી સંકટ ઊભું થયું છે.
ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત બિહારમાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો, ગામ, શહેરો જળબંબાકાર બનતા મોટું સંકટ ઊભું થયું છે, તેમાંય નોર્થઈસ્ટમાં આસામની વિકટ પરિસ્થિતિ છે.
ઉત્તર પ્રદેશના કુશીનગર, બલરામપુર અને શ્રાવસ્તી જિલ્લાના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રિપોર્ટ અનુસાર, કુશીનગરમાં ગંડક નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું છે અને ખડ્ડા તાલુકાના 13 ગામો પૂરથી પ્રભાવિત છે.
ઉત્તર પ્રદેશના ગઢવાલ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે આજે ચારધામ યાત્રાને પણ રોકી દેવામાં આવી હતી, જ્યારે પડોશી દેશ નેપાળમાં પણ વરસાદને કારણે કોશી બેરેજમાંથી 56 ગેટ ખોલવામાં આવ્યા હતા.
પૂરના કારણે જિલ્લાના નારાયણપુરમાં એક ટાપુ પર 66 લોકો ફસાયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 62 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, બાકીના લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે, એમ બચાવ કરનારી ટીમના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: રૂ.104 કરોડની ટ્રેનની છતમાંથી વરસાદી પાણીનું ગળતર, વીડિયો વાયરલ
શ્રાવસ્તીમાં રાપ્તી નદી ખતરાના નિશાનને પાર કરી ગઈ છે. અહીં 18 ગામો પૂરથી પ્રભાવિત છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ અને PACની બે ટીમ પૂર પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત છે. જિલ્લામાં 19 ફ્લડ પોસ્ટ બનાવવામાં આવી છે અને રાપ્તી બેરેજ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
શનિવારે રાત્રે શ્રાવસ્તી જિલ્લામાં પૂરના પાણીમાં ઘેરાયેલી 12 મજૂર મહિલાઓ અને તેમના બાળકોને બચાવવા માટે એક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તે તમામને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના પૂર્વ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ઝોનલ વેધર સેન્ટર લખનઉના અહેવાલ મુજબ આજે પણ રાજ્યના ગોરખપુર, બહરાઈચ, ગોંડા, બસ્તી, સંત કબીર નગર, મહારાજગંજ, બલરામપુર, શ્રાવસ્તી, લખીમપુર ખેરી અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.
બિહારના વિવિધ ભાગોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદને પગલે કોસી, મહાનંદા, બાગમતી, ગંડક, કમલા બાલન અને કમલા સહિતની મુખ્ય નદીઓ ઘણી જગ્યાએ જોખમની સપાટીથી ઉપર વહી રહી હોવાનું જળ સંસાધન વિભાગ દ્વારા રવિવારે જારી કરાયેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં Metro Railના સ્ટેશનની છતમાંથી વરસાદી પાણી ટપક્યું, Video વાયરલ
નદીઓ અનેક સ્થળોએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી. જ્યારે કેટલાક સ્થળોએ તે ચેતવણીના સ્તરને સ્પર્શી ગઇ હતી. સીતામઢી, મુઝફ્ફરપુર, શિયોહર, ઔરાઇ અને સુપ્પી અને અન્ય આસપાસના વિસ્તારોમાં બાગમતી નદીનું જળ સ્તર ખતરાના નિશાનને સ્પર્શી ગયું છે.
બુલેટિન અનુસાર રવિવારે સવારે ૮ વાગ્યે સીતામઢી અને સુપ્પીમાં નોંધાયેલ બાગમતી નદીનું જળસ્તર ૭૧.૧૬ મીટર હતું. જે ખતરાના સ્તરથી ૦.૧૬ મીટર ઉપર છે. તેવી જ રીતે બાગમતીએ મુઝફ્ફરપુર, શિયોહર, ઔરાઇ અને પિપ્રહીમાં ખતરાના નિશાનને પાર કર્યું છે.
ગોપાલગંજ અને સિધવાલિયામાં ગંડક નદી(રવિવારે સવારે ૮ વાગ્યા સુધી) ૬૨.૨૨ મીટરના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. એ જ રીતે મધુબની, લખનૌર અને ઝાંઝરપુરમાં કમલા બાલન નદી ખતરાના નિશાનને સ્પર્શી ગઇ છે. મધુબની અને જયનગરના અમુક વિસ્તારોમાં કમલા નદી પણ ૬૭.૭૫ મીટરના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
જ્યારે અરરિયામાં, પરમાન નદી ૪૭ મીટરના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જ્યારે મહાનંદાએ પૂર્ણિયા અને બૈસીમાં ખતરાના નિશાનને વટાવી દીધું છે.