ઉત્તરાખંડમાં વરસાદી આફત યથાવતઃ કેદારનાથથી પરત ફરતા 40 શ્રદ્ધાળુને બચાવાયાં

સોનપ્રયાગ: ઉત્તરાખંડમાં ભારે વરસાદે રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં સંપર્ક વિહોણા બન્યા છે. સોનપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે કેદારનાથથી પરત ફરતા 40થી વધુ શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા, જેનો સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) આબાદ બચાવ કર્યો હતો. આ ઘટનાએ રાજ્યમાં વરસાદી આફતની ગંભીરતા દર્શાવી છે.
ભૂસ્ખલન અને બચાવ કાર્ય
સોનપ્રયાગમાં સોમવારે મોડી રાત્રે 10 વાગ્યે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું, જેના લીધે રસ્તો બંધ થઈ ગયો અને કાટમાળ પડતાં 40થી વધુ શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા. એસડીઆરએફની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાત્રે બચાવ કાર્ય હાથ ધર્યું અને તમામ તીર્થયાત્રીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા. અધિકારીઓએ જણાવ્યું કે ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થયા હોવાથી યાત્રીઓને વૈકલ્પિક માર્ગો દ્વારા ખસેડવામાં આવ્યા.
ભારે વરસાદને કારણે જાહેર ધોરીમાર્ગો ધોવાયા
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ અને યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગો પર ભૂસ્ખલન થયું. ચમોલી પોલીસે જણાવ્યું કે બદ્રીશ હોટેલ નજીક ભૂસ્ખલન થયું, જ્યારે યમુનોત્રી રાજમાર્ગના સિલાઈ બેન્ડ અને ઓજરી વચ્ચેના ભાગો ધોવાઈ ગયા. ઉત્તરકાશી પોલીસે જણાવ્યું કે યમુનોત્રી રાજમાર્ગ બે સ્થળે બંધ છે, અને એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ અને વન વિભાગની ટીમો માર્ગ ખોલવા કામ કરી રહી છે.
ચારધામ યાત્રા 24 કલાક માટે સ્થગિત પછી શરુ
વરસાદના કારણે આગરાખાલ, ચંબા, જાખિંધર અને દુગમંદર જેવા વિસ્તારોમાં વીજળી અને પાણીની સેવાઓ ખોરવાઈ છે. બરકોટ નજીક વાદળ ફાટવાની ઘટના બાદ રવિવારે ચારધામ યાત્રા 24 કલાક માટે સ્થગિત કરાઈ હતી, જે સોમવારથી ફરી શરૂ થઈ. આ ઘટનામાં બે શ્રમિકના મોત થયા હતા અને સાત લોકો ગુમ થયા હતા.
હિમાચલ પ્રદેશમાં 400 કરોડ રુપિયાનું નુકસાન
ઉત્તરાખંડની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનથી લગભગ 400 કરોડથી વધુ રુપિયાનું નુકસાન થયું છે, જ્યારે અત્યાર સુધીમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજુ આગામી બે દિવસ પણ ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો…ગાંધીનગરથી કેદારનાથ જતા પાંચ યુવકોને નડ્યો અકસ્માત, 4ના મોત, 1 ગંભીર