નેશનલ

શું રેલવેનાં તત્કાલ બુકિંગના સમયમા કરાયો ફેરફાર? જાણો રેલવેએ શું કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: શું રેલવેના તત્કાલ બુકિંગના સમયમા ફેરફાર કરવામા આવ્યો છે? આવી માહિતી સાથે સોશિયલ મીડિયામા ઘણા સમાચાર શેર થઈ રહ્યા હતા. હકીકતે સોશિયલ મીડિયા પર એવા સમાચાર ચાલી રહ્યા છે કે તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ ટિકિટના બુકિંગનો સમય બદલાઈ ગયો છે. જોકે હવે IRCTC એ X દ્વારા માહિતી આપી છે કે સોશિયલ મીડિયામાં ફરતા આવા સમાચાર ખોટા છે.

શું કહેવું છે IRCTCનુ?

IRCTC એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એટલે કે ટ્વીટર પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ ફરતી થઈ રહી છે જેમાં તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ માટે અલગ અલગ સમયનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. IRCTC ના જણાવ્યા અનુસાર, હાલમાં એસી અને નોન-એસી ક્લાસમાં તત્કાલ અથવા પ્રીમિયમ તત્કાલ માટે બુકિંગ સમય બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. એજન્ટો માટે પણ સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તત્કાલ બુકિંગ માટે શું છે વર્તમાન નિયમો?

વર્તમાન નિયમો અનુસાર તત્કાલ ટિકિટનું બૂકિંગ 24 કલાક પહેલા કરવામાં આવે છે. એસી ક્લાસ માટે તત્કાલ બુકિંગ મુસાફરીની પાછલી તારીખે સવારે 10 વાગ્યે ખૂલે છે, નોન એસી ક્લાસ માટે, તે પાછલી તારીખે સવારે 11 વાગ્યે ખૂલે છે. તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે વધારાના શુલ્ક લેવામાં આવે છે.

આ પણ વાંચો: સમર સ્પેશિયલઃ વેકેશનમાં પશ્ચિમ બંગાળ ફરવા જવું હોય તો રેલવે આપી રહ્યું છે આ સુવિધા

શું છે તેની બુકિંગ પ્રક્રિયા?

તેની બુકિંગ પ્રક્રિયા સામાન્ય ટિકિટ બુક કરવા જેવી જ છે. જોકે ટિકિટ બુક કરાવતી વખતે તમારે તત્કાલનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ સેવાની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે જેથી જે લોકોને પૂર્વ આયોજન વિના મુસાફરી કરવી પડે છે તેમને ટ્રેનમાં સીટ અથવા બર્થ મેળવવાનો વિકલ્પ મળે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button