રેલવે આપે છે દરેક ટિકિટ પર આટલું ડિસ્કાઉન્ટ… જાણી લો કઈ રીતે મેળવશો?

ભારતીય રેલવેએ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ નેટવર્ક છે અને દરરોજ કરોડો લોકો એમાં મુસાફરી કરીને નિર્ધારિત સ્થળે પહોંચે છે. પરંતુ શું તમને એ વાતની જાણ છે કે રેલવે દ્વારા તમને દરેક પ્રવાસના ભાડામાં 55 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને આ જ કારણ છે કે ભારતીય રેલવેમાં પ્રવાસ કરવું એ સૌથી સસ્તા ટ્રાન્સપોર્ટ ઓપ્શનમાંથી એક છે. હવે તમને થશે કે ભાઈ આ આટલું ધરખમ ડિસ્કાઉન્ટ મેળવવું કઈ રીતે, બરાબર ને? ચાલો, આજે તમને આ વિશે માહિતી આપીએ…
વાત જાણે એમ છે કે રેલવે ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવ અમદાવાદ ખાતે બુલેટ ટ્રેનના કામકાજના પ્રોગ્રેસનો રિવ્યુ કરવા પહોંચ્યા હતા અને એ સમયે કોઈએ તેમને પૂછ્યું કે શું સરકાર સીનિયર સિટીઝન્સ અને મીડિયા કર્મચારીઓને કોવિડ-19 પહેલાં મળતું ડિસ્કાઉન્ટ ફરીથી શરું થશે? જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય રેલવે દ્વારા દરેક પ્રવાસીને પહેલાંથી ભાડામાં 55 ટકાની છૂટ મળે છે.
એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર દેશમાં માર્ચ, 2020માં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને એ સમયે ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું હતું. આ પહેલાં રેલવે દ્વારા એક્રેડેશન ધરાવતા પત્રકારો અને સિનિયર સિટીઝનને રેલવે ભાડામાં 50 ટકાની છૂટ આપવામાં આવતી હતી. બે વર્ષ બાદ એટલે કે 2022માં જૂન મહિનામાં ટ્રેનોની અવરજવર ફરી શરુ થઈ હતી, પણ રેલવે મંત્રાલય દ્વારા આ કન્સેશન ફરી શરૂ નથી કરવામાં આવ્યા અને દર થોડા સમયે લોકો દ્વારા આ ડિસ્કાઉન્ટ ફરી શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે. સંસદના બંને ગૃહમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ટ્રેનમાં કોઈ જગ્યાએ પહોંચવાનું ભાડું જો 100 રૂપિયા છે તો ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓ પાસેથી પહેલાંથી જ ભાડાપેટે 45 રૂપિયા લેવામાં આવે છે અને આમ દરેક પ્રવાસીને 55 રૂપિયાની છૂટ આપવામાં આવે છે.
આ પહેલાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રેલવે પાસે વરિષ્ઠ નાગરિકો પાસેથી થયેલી કમાણીની માહિતી માગવામાં આવી હતી અને રેલવે દ્વારા જેના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે 2022-23માં રેલવેમાં આશરે 15 કરોડ સીનિયર સિટીઝને પ્રવાસ કર્યો હતો અને રેલવેએ એના માધ્યમથી 2,242 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ભારતીય રેલવે માત્ર પ્રવાસીઓ પાસેથી જ આવક નથી કરતો પણ આ સિવાય પણ આવકના વિવિઝ સ્રોત છે. જેમાં માલ-સામાનની હેરફેર, રેલવે સ્ટેશન પર જાહેરાતો, ખાવાના ટેન્ડર, રેલવેના કારખાનામાં તૈયાર થતાં નિકાસ વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય રેલવેનું ભાડું સસ્તું રાખવા માટે સરકાર ટ્રેનમાં એસી કોચ લગાવે છે અને એનું ભાડું સામાન્ય કોચ કરતાં વધારે હોય છે આ રીતે રેલવે પોતાના ભાડાની વસૂલી અને ખર્ચના અંતરને ઘટાડે છે.