રોજગારીઃ રેલવેએ છેલ્લા 10 વર્ષમાં કેટલા લોકોની કરી ભરતી, રેલવે પ્રધાનનો જવાબ જાણો?

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં રોજે રોજ દોડાવાતી ટ્રેન અને રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ માટે જરુરી સ્ટાફની ભરતી નિયમિત ધોરણે કરવામાં આવી રહી છે ત્યારે આજે રાજ્યસભામાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું અને રેલવે પ્રધાને કહ્યું હતું કે વિપક્ષના નેતાઓએ ભ્રામક નિવેદનો આપવાનું ટાળવું જોઈએ.
રેલવે મુદ્દે રાજકારણ રમવું જોઈએ નહીં
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં રેલ ભરતી મુદ્દે ખોટા નિવેદનો નહીં આપવાનો અનુરોધ કર્યો હતો. રેલવે પ્રધાને કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે. રેલવે અને સંરક્ષણ એવા બે વિભાગ છે, જે મુદ્દે રાજકારણ થવું જોઈએ નહીં. કારણ કે આ દેશની જરુરિયાત અને લાઈફલાઈન છે. આ મુદ્દે રાજકારણ રમવાનું યોગ્ય નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો…PM Modi એ તુલસી ગબાર્ડને ભેટ આપ્યું મહાકુંભનું પવિત્ર જળ, ભેટમાં મળી તુલસીની માળા
એક લાખની ભરતીની પ્રક્રિયા ચાલુ
હાલના તબક્કે નવી ભરતીની પ્રક્રિયા પણ પ્રોસેસમાં છે. છેલ્લા દસ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગારી આપી છે. એના સિવાય નવી એક લાખ ભરતની પ્રક્રિયા પણ પ્રોસેસમાં છે. રેલવેમાં સંપૂર્ણ પારદર્શક રીતે ભરતી કરવામાં આવી રહી છે, એવો રેલવે પ્રધાને દાવો કર્યો હતો.
રેલવેમાં 12 લાખ કર્મચારી છે
રેલવેમાં હાલના તબક્કે 12 લાખ કર્મચારી છે, જ્યારે 40 ટકા કર્મચારીની છેલ્લા 10 વર્ષમાં ભરતી કરવામાં આવી છે. રેલવેમાં ખાસ કરીને યુવાન કર્મચારીની પણ સંખ્યા વધારે છે. મહાકુંભ વખતે નવી દિલ્હી રેલવે સ્ટેશન પરની નાસભાગને દુખદ ગણાવતા રેલવે પ્રધાને કહ્યું હતું કે આ પ્રકરણમાં તપાસ પણ ચાલી રહી છે.