નેશનલ

‘કારણ પૂછશો તો સરકાર રેલવેનું નામ જ બદલી નાખશે!’ રેલવે ભાડામાં વધારા પર કોંગ્રેસ સાંસદનો કટાક્ષ…

નવી દિલ્હી: રેલવેના ભાડાના વધારા અંગે દેશમાં ખૂબ જ વાવંટોળ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે વિપક્ષી સાંસદોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રંજીત રંજને રવિવારે રેલવે ભાડામાં કરવામાં આવેલા વધારાને લઈને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જો આ પગલા પાછળનું કારણ પૂછવામાં આવશે, તો કેન્દ્ર સરકાર કદાચ રેલવેનું નામ જ બદલી નાખશે. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલા જ લેવાયેલું આ પગલું મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ પર વધુ બોજ નાખશે.

કોંગ્રેસ સાંસદે જણાવ્યું હતું કે ભાડું વધારવાનો આ સમય ખાસ કરીને ચિંતાજનક છે. તેમણે કહ્યું કે હજુ બજેટ જાહેર થયું નથી, અને સરકારે અત્યારથી જ લોકો પર વધુ ખર્ચનો બોજ નાખવાનું શરૂ કરી દીધું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ વધારાથી લાંબા અંતરની મુસાફરી કરનારાઓ પર ખૂબ જ ગંભીર અસર પડશે.

આ ફેરફારોનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ સાંસદે જણાવ્યું કે, તેમણે દરેક 500 કિલોમીટર પર 10 રૂપિયા વધારી દીધા છે, જેના કારણે તમે લોકોને લાંબા અંતરની મુસાફરી માટે 100-200 રૂપિયા વધુ ચૂકવવા માટે મજબૂર કર્યા છે. તેમણે આગળ ઉમેર્યું કે, ટ્રેન મુસાફરી મધ્યમ અને નિમ્ન-મધ્યમ વર્ગના પરિવારો માટે પરિવહનનું મુખ્ય સાધન છે, જેમને હવે વધુ ખર્ચ વેઠવો પડશે.

તેમણે પરિવહનના અન્ય સાધનોમાં વધતી કિંમતો સાથે પણ તુલના કરી હતી. તેમણે કહ્યું, “એક તરફ જો આપણે રોડ માર્ગે મુસાફરી કરીએ તો તમે ઘણો વધારે ટોલ વસૂલી રહ્યા છો, હવાઈ ભાડું સીધું 5,000 રૂપિયાથી વધીને 30,000 રૂપિયા થઈ રહ્યું છે, તહેવારોની સીઝનમાં ભાડું આસમાને પહોંચી જાય છે.”

સરકાર પર સવાલ ઉઠાવતા તેમણે આગળ કહ્યું કે, એક તરફ તેઓ કહેતા હતા કે મધ્યમ વર્ગ પણ હવાઈ મુસાફરી કરશે, હવે જ્યારે તમે રેલવેનું ભાડું પણ વધારી દીધું છે, તો એ મધ્યમ વર્ગ વિચારી રહ્યો છે કે તેઓ ક્યાં જાય? કોંગ્રેસ સાંસદે નાગરિકો પર બિનજરૂરી નાણાકીય દબાણ લાવવાનો આરોપ લગાવતા રંજને કહ્યું કે સરકાર લોકોને લૂંટી રહી છે. તેમણે નીતિગત પ્રાથમિકતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, જો તેઓ ભવિષ્યમાં રેલવેનું નામ બદલી નાખે અને કહે કે નામ બદલાઈ ગયું છે, તો તેમાં કોઈ નવાઈ નહીં હોય; આમાં જ ખુશ રહો અને વધેલા ભાડાનો પણ સ્વીકાર કરો.

આ પણ વાંચો…આ બે લોકોપાયલટને સલામ, રેલવે ટ્રેક પર આવેલા છ સિંહને બચાવ્યા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button