ન્યૂઝ પોર્ટલ પર દરોડા: વિપક્ષે ટીકા કરી
નવી દિલ્હી: ન્યૂઝક્લિક પોર્ટલ સાથે જોડાયેલા પત્રકારો પરના દરોડા અંગે વિપક્ષના અનેક પક્ષોએ મંગળવારે કેન્દ્રની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે આવી કાર્યવાહી ફક્ત સત્ય બોલનારાઓ સામે જ કરવામાં આવે છે, જોકે, સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓ સ્વતંત્ર છે અને કાયદા અનુસાર કામ કરે છે.
વિપક્ષી જૂથ ઈન્ડિયાએ એક નિવેદનમાં દરોડાઓની સખત નિંદા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારનાં દરોડા સત્ય બોલનારાઓ વિરુદ્ધ છે અને નફરત અને વિભાજન ફેલાવનારાઓ વિરુદ્ધ નહીં. વિપક્ષી જૂથ ઈન્ડિયાના ઘણા પક્ષોએ આ અંગે સરકારની અલગથી પણ ટીકા કરી હતી.
કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું હતું કે ન્યૂઝક્લિકના પત્રકારો પર વહેલી સવારના દરોડા એ બિહારમાં જાતિ ગણતરીના વિસ્ફોટક તારણો અને દેશભરમાં જાતિની વસ્તી ગણતરીની વધતી માગથી લોકોને ગેરમાર્ગે દોરવાની ચાલ છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર પોતાના જ પત્રકારોની ધરપકડ કરીને ચીન સામે લડવાનો ઢોંગ કરી રહી છે કારણ કે ચીન સાથે સીધી રીતે લડવાની હિંમત તેની પાસે નથી.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે દરોડા એ ભાજપની હારનો સંકેત છે. આ કોઈ નવી વાત નથી. શાસક ભાજપે હંમેશા “પ્રામાણિક પત્રકારો” પર દરોડા પાડ્યા છે.
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ દરોડાઓની નિંદા કરતા કહ્યું કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર પર “હુમલો” છે.
બહુજન સમાજ પક્ષનાં સાંસદ દાનિશ અલીએ કહ્યું કે લોકશાહીની માતાની દયનીય સ્થિતિ જોઈને દુનિયા આઘાત પામી છે. જ્યાં ગોદી મીડિયાનો ભાગ બનવાનો ઇનકાર કરનારા પત્રકારો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ધરપકડ કરવામાં આવી રહી છે.
પત્રકારોના હિતોનું પ્રતિનિધિત્વ કરતી વિવિધ સંસ્થાઓએ પણ દરોડાની નિંદા કરી હતી અને કેટલાકે એવો દાવો કર્યો હતો કે આ પ્રેસને ચૂપ કરવાનો પ્રયાસ હતો.