રાહુલની ન્યાય યાત્રા કાલથી આગળ વધશે, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે CM મમતા દીદીને લખ્યો પત્ર અને કહ્યું…

નવી દિલ્હી: થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra) બંગાળમાં પ્રવેશતાની સાથે જ અધવચ્ચેથી છોડીને દિલ્હી જતાં રહયા હતા. તેના અગાઉના દિવસે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીનું નિવેદન બહાર આવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં યાત્રાને લઈને તેની પાસે કોઈ જ અપડેટ ન હતી.
આ બધુ જોતાં કહી શકાય કે કોંગ્રેસ અને TMC વચ્ચે તકરાર ચાલી રહી છે. જેને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CM મમતા બેનેર્જીને એક પત્ર લખ્યો છે. કોંગ્રેસ પ્રવકતા જયરામ રમેશે જણાવ્યુ કે આ પત્રમાં સુરક્ષાની ખાતરી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે યાત્રાને લઈને અધ્યક્ષે અસમાજિક તત્વો તરફથી વિવાદની આશંકા કરવામાં આવી છે.
કોંગ્રેસના પ્રવકતા જયરામ રમેશે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યુ કે યાત્રા જલપાઈગુડીમાં શરૂ થઈને સિલિગુડી જશે. જ્યાં પદયાત્રા બાદ રાહુલ ગાંધી લોકોને સંબોધિત કરશે. ત્યાર બાદ યાત્રા 28 જાન્યુયારીએ જ ઉત્તરી મિદનાપુર પહોંચશે અને રાત્રિ વિશ્રામ બાદ આગલા દિવસે 29 જાન્યુઆરીએ બિહારમાં પ્રવેશ કરશે. પ્રવક્તાએ જણાવ્યુ કે ભારત જોડો ન્યાય યાત્રા 29-30 જાન્યુયારીએ બિહારમાં હશે. જો કે આ પહેલા રાજયમાં INDIA ગઠબંધન અને કોંગ્રેસ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
પશ્ચિમ બંગાળમાં, મમતા બેનર્જી પોતાને INDIA ગઠબંધનથી દૂર રાખી રહ્યા છે અને અહીં તેમણે કોંગ્રેસ સાથે સીટ શેરિંગ મુદ્દે વાતચીત પણ બંધ કરી દીધી છે. આસામથી ઘણી મુશ્કેલીઓ બાદ આ યાત્રા પશ્ચિમ બંગાળ પહોંચી, જ્યાં મમતા બેનર્જી અને પાર્ટીના નેતાઓએ તો ત્યાં સુધી કહ્યું કે તેમને આ વિશે જાણ કરવામાં આવી નથી. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું છે કે રાજ્ય સરકારને આ યાત્રા વિશે જાણ કરવામાં આવી નથી.