કૉંગ્રેસે તેલંગણામાં શું કર્યું તેવા કેસીઆરના સવાલનો રાહુલએ આપ્યો જડબાતોડ જવાબ
ચાર રાજ્યોની ચૂંટણી પૂરી થઈ છે ત્યારે ભાજપ અને કૉંગ્રેસ સહિતના પ્રાદેશિક પક્ષોએ હવે તેલંગણાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અહીં વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન બીઆરએસના વડા કેસીઆરના એક સવાલનો રાહુલ ગાંધીએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
કેસીઆરએ એક રેલીમાં રાહુલને પૂછ્યું હતું કે કૉંગ્રેસે તેલંગણા માટે શું કર્યું તેના જવાબમાં રાહુલ કહ્યું હતું કે તેમણે સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસે શું કર્યું? હું તેમને કહું છું કે કોંગ્રેસે શું કર્યું – કેસીઆર જે રસ્તાઓ પર ચાલે છે તે રસ્તાઓ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને તેમણે જે શાળા કે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે તે કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે પીએમ મોદી જે કહે છે, કેસીઆર પણ કહે છે. કેસીઆર સંસદમાં પીએમ મોદીની મદદ કરે છે. જો કેસીઆર પીએમ મોદીની સાથે નથી તો તેમની સામે કેસ કેમ નથી કરતા, તેવો સવાલ પણ રાહુલએ કર્યો હતો.
તેમણે ફરી ચાબખા મારતા જણાવ્યું કે હું પીએમ નરેન્દ્ર મોદી સામે લડી રહ્યો છું. મારી સામે 24 કેસ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પાંચ દિવસ સુધી 55 કલાક સુધી મારી પૂછપરછ કરી હતી. મારી લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી, મારું ઘર છીનવી લેવામાં આવ્યું. મેં તેમને કહ્યું, લઈ જાઓ. મારું ઘર, મને તે જોઈતું નથી. મારું ઘર ભારતના કરોડો લોકોના હૃદયમાં છે. તેમણે અમિત શાહને પણ પડકાર ફેંકતા કહ્યું હતું કે શાહ ઓબીસી મુખ્ય પ્રધાન લાવવાની વાત કરે છે, પરંતુ પહેલા તેઓ તેલંગણામાં બેટકા મત લાવીને બતાવે. તેમણે કેસીઆર અને એઆઈએમઆઈએમ ભાજપને મદદ કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
કોંગ્રેસના ઘોષણાપત્રનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર બનાવ્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં તેલંગાણાને આપેલા તમામ વચનો માટે અમે કાયદો બનાવીશું.