નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

વારસાગત ટેક્સ મુદ્દે રાહુલ ગાંધીને PM મોદીને જવાબ, ‘મેં ટેક્સ અંગે કાંઈ કહ્યું નથી’

લોકસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે વારસાગત ટેક્સ મામલે કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી ગયા છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું હતું કે અમેરિકામાં વિરાસત ટેક્સ લાગે છે જે ખૂબ જ રસપ્રદ કાયદો છે. ભારતમાં એવો કોઈ કાયદો નથી. પરંતુ મને લાગે છે કે આની ચર્ચા થવી જોઈએ. આ નિવેદન બાદ ભાજપ આક્રમક થઇ ગઈ છે, પરંતુ કોંગ્રેસ ખુલ્લેઆમ પિત્રોડાના બચાવમાં આવી ગઇ છે. રાહુલ ગાંધીએ પણ આ મામલે તેમનો સ્વબચાવ કર્યો હતો.

સામ પિત્રોડાના નિવેદન પર ભાજપના હોબાળા પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર વળતો હુમલો કરતા કહ્યું કે ‘મેં એવું કોઈ નિવેદન આપ્યું નથી જેની વાત પીએમ મોદી કરી રહ્યા છે. નવી દિલ્હીમાં પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે મેં હજુ સુધી વારસાગત ટેક્સ (Inheritance tax) અંગે નથી કહ્યું કે અમે કાર્યવાહી કરીશું.

આ પણ વાંચો: કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે ડખો, અપક્ષ MLAએ રાહુલ ગાંધીના ‘DNA ટેસ્ટ’ની કરી માંગ

હું (રાહુલ ગાંધી) એટલું જ કહી રહ્યો છું કે આવો જાણીએ કે કેટલો અન્યાય થયો છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી જીતવા પર તેમની પાર્ટી અને ઈન્ડિયા ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય જાતિ સર્વેક્ષણ કરાવવાની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે આ કવાયતમાં આર્થિક અને સંસ્થાકીય રિપોર્ટ સામેલ હશે. તેનાથી એ સમજવામાં મદદ મળશે કે સમાજના વિવિધ વર્ગો વર્ષોથી કેવી રીતે વિકસિત થયા છે અને તમામ જૂથો માટે સામાજિક-આર્થિક ન્યાય અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે શું જરૂરી છે તે સમજવામાં આ અત્યંત મદદરૂપ થશે.

આ પણ વાંચો: સંસદીય ઈતિહાસમાં ૩૫ ઉમેદવાર બિનહરીફ સાંસદ બન્યાઃ રાહુલ ગાંધીના આરોપનો કેન્દ્રીય પ્રધાને આપ્યો જવાબ

ઉલ્લેખનિય છે કે નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વારસાગત ટેક્સ પર કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાના નિવેદનની આકરી નિંદા કરી છે. PM મોદીએ કહ્યું કે, “કોંગ્રેસના ખતરનાક ઈરાદા એક પછી એક ખુલીને સામે આવી રહ્યા છે. રાજવી પરિવારના શહેઝાદાના સલાહકારે થોડા સમય પહેલા કહ્યું હતું કે મધ્યમ વર્ગ પર વધુ ટેક્સ હોવો જોઈએ અને હવે તે ડગલું આગળ વધી ગયો છે”.

મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ હવે વારસાગત ટેક્સ લગાવશે, એટલે કે માતા-પિતા પાસેથી મળેલી સંપત્તિ પર પણ ટેક્સ લાગશે. તમે તમારી મહેનતથી જે સંપત્તિ ભેગી કરો છો તે તમારા બાળકોને નહીં મળે, બલ્કે કોંગ્રેસ સરકારના પંજા તમારી પાસેથી તે છીનવી લેશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી જાતિવાદના નામે લોકોને વિભાજીત કરવા અમેઠી આવશે: સ્મૃતિ ઈરાની

    પીએમ મોદીએ કહ્યું, “કોંગ્રેસનો મંત્ર છે – કોંગ્રેસની લૂંટ જીવન દરમિયાન અને જીવન પછી પણ. જ્યાં સુધી તમે જીવતા હશો, કોંગ્રેસ તમારા પર વધુ ટેક્સ લગાવશે અને જ્યારે તમે જીવિત નહીં રહો, ત્યારે પણ તે તમને વારસાગત ટેક્સનો ભારણ નાખશે.” જે લોકોએ આખી કોંગ્રેસ પાર્ટીને તેમના સંતાનોને તેમની પૈતૃક સંપત્તિ તરીકે આપી દીધી છે તેઓ નથી ઈચ્છતા કે એક સામાન્ય ભારતીય તેમની મિલકત તેમના સંતાનોને આપે.

    જો કે આ મુદ્દે કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોંગ્રેસ પાસે વારસાગત કર (Inheritance Tax) લાગુ કરવાની કોઈ યોજના નથી. વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીએ 1985માં એસ્ટેટ ડ્યુટી નાબૂદ કરી હતી, સત્ય એ છે કે મોદી સરકાર પોતે આ કરવા માંગે છે.

    મોદી સરકારમાં પૂર્વ નાણાં રાજ્ય મંત્રી અને બાદમાં નાણાં અંગેની સંસદીય સમિતિના અધ્યક્ષ જયંત સિંહાને સાંભળો. તેમણે અમેરિકાની જેમ 55% વારસાગત ટેક્સ (Inheritance Tax)ની તરફેણમાં 15 મિનિટ સુધી જોરશોરથી દલીલ કરી હતી.

    દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
    Back to top button