હવે NDAના નીતીશના બિહારમાં રાહુલ ગાંધીની યાત્રા, તેજસ્વી યાદવ પર નજર
પટણાઃ રાજકારણમાં ક્યારે શું થાય તે નક્કી નથી હોતું. 14મી જાન્યુઆરીએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂ કરી હતી. આ સમયે તેમના ઈન્ડિયા મહાગઠબંધનના સાથી પક્ષોની સાથે જે તે રાજયોમાં તેમના કાર્યક્રમો નક્કી હતા અને આવનારી લોકસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષો મજબૂત સંગઠન તરીકે ઊભરી આવે તેવી સંભવનાઓ હતી.
જોકે યાત્રા દરમિયાન કૉંગ્રેસને તેમના સાથી પક્ષો એક પછી એક ઝટકા આપી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં યાત્રા પહેલા જ મમતાએ એકલા લડવાની જાહેરાત કરી તો બિહારમાં નીતીશ કુમારે એનડીએનો સાથ લઈ મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કરી મોટો ઝટકો આપ્યો. રવિવારે તેમની શપથવિધિ થઈ અને સોમવારે રાહુલની યાત્રા બિહાર પહોંચી છે.
રાહુલ ગાંધીએ બે દિવસ પછી ફરી યાત્રા શરૂ કરી ત્યારે નીતીશ કુમાર એ જ સ્થિતિમાં છે, પરંતુ તેમના નવા સાથી પક્ષો ભાજપ અને જીતન રામ માંઝીનો હિન્દુસ્તાની આવામ મોરચા છે. મહાગઠબંધનથી અલગ થયા બાદ નીતીશ કુમારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમને બિહારમાં ભારત જોડો ન્યાય યાત્રાના પ્રવેશ અંગે જાણ કરવામાં આવી ન હતી. આના પરથી સ્પષ્ટ હતું કે નીતીશ કુમાર નારાજ છે. જો કે કૉંગ્રેસનો મદ્દાર હવે તેજસ્વી યાદવ પર છે અને તેજસ્વી માટે પણ મોટી જવાબદારી છે. આજે તેઓ નીતિશ સાથે અહીં એક મંચ પર પણ હાજર રહેવાના હતા.
આજે કોંગ્રેસ પ્રદેશ એકમના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓએ બિહારમાં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું. કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદ ખાને જણાવ્યું હતું કે ગાંધી કિશનગંજમાં જાહેર સભાને સંબોધવાના છે, ત્યાર બાદ મંગળવારે નજીકના પૂર્ણિયા જિલ્લામાં એક મોટી રેલી અને એક દિવસ પછી કટિહારમાં બીજી રેલી યોજાશે.
કોંગ્રેસના પ્રદેશ એકમના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી ગુરુવારે અરરિયા જિલ્લા થઈને પશ્ચિમ બંગાળ જવા રવાના થશે અને થોડા દિવસો પછી ઝારખંડ થઈને બિહાર પરત ફરશે. જોકે તેજસ્વી યાદવની ભૂમિકા અંગે કોઈ માહિતી મળી નથી.
આ યાત્રા 31 જાન્યુઆરીએ માલદા થઈને પશ્ચિમ બંગાળમાં ફરી પ્રવેશશે અને મુર્શિદાબાદમાંથી પસાર થઈને 1 ફેબ્રુઆરીએ રાજ્યને પાર કરશે. યાત્રા દરમિયાન 67 દિવસમાં 6,713 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે અને તે 15 રાજ્યના 110 જિલ્લામાંથી પસાર થશે. 20મી કે 21મી માર્ચે મુંબઈમાં યાત્રા પહોંચવાની છે.