રાહુલ ગાંધી એક દિવસ દેશનું નેતૃત્વ કરશે: શરદ પવાર
એક ખાનગી ટીવી કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ શરદ પવારે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ભાજપ સાથે હાથ મિલાવવાનો કોઇ સવાલ ઉભો નથી થતો, જે પણ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તેમને એનસીપી સાથે કોઇ લેવાદેવા નથી અને તેમણે એટલા માટે પક્ષ બદલ્યો કેમકે તેમને તપાસ એજન્સીઓનો ડર હતો.”
શરદ પવારે રાહુલ ગાંધી વિશે કહ્યું હતું કે તેની ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીને હવે લોકો ગંભીરતાથી લઇ રહ્યા છે અને તે એક દિવસ દેશને નેતૃત્વ જરૂર પૂરું પાડશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની દિલ્હીની આબકારી નીતિમાં ગોટાળા સંદર્ભે પ્રવર્તમાન નિદેશાલય દ્વારા ધરપકડ મામલે તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સીના પગલાને લીધે ઇન્ડિયા ગઠબંધન મજબૂત બનશે. પવારે એમ પણ કહ્યું કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે હાલમાં જ તેમને કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીની 7માંથી 3 બેઠકો કોંગ્રેસને આપવા માટે તૈયાર છે.
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પુનર્જીવિત થશે તેવો શરદ પવારે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે મહાવિકાસ આઘાડી ચોક્કસપણે આગામી વિધાનસભા ચૂંટણીમાં સરકાર બનાવશે. પવાર કે જેમને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનો સમાવેશ કરતી મહાવિકાસ આઘાડી સરકારના રચયિતા તરીકે ગણવામાં આવે છે, તેમણે જણાવ્યું હતું કે તેમણે રાજ્યની બેઠકોનું વિશ્લેષણ કર્યું છે.
“ચોક્કસપણે, અમે મહારાષ્ટ્રમાં સરકાર બનાવીશું. અમે પ્રામાણિકપણે અનુભવીએ છીએ કે, છેલ્લી લોકસભા ચૂંટણીમાં, અમને અહીં માત્ર ચાર બેઠકો મળી હતી. પરંતુ આ વખતે, જો ઓછામાં ઓછી 50 ટકા બેઠકો પણ મળી જાય તો ય અમને આશ્ચર્ય થશે નહીં.” તેમ શરદ પવારે કહ્યું હતું.