કેરળની જે વાયનાડ બેઠક પરથી જીતીને રાહુલ ગાંધી સંસદ સુધી પહોંચ્યા હતા. તે બેઠકને લઇને ડાબેરીઓ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. I.N.D.I.A ગઠબંધનના સભ્ય સીપીઆઇ પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં રાહુલ ગાંધીને આ વખતે વાયનાડથી ચૂંટણી ન લડવાનું સૂચન કરવામાં આવ્યું છે. સીપીઆઇના આ વલણને પગલે કેરળ યુનિટમાં નારાજગીનો માહોલ છે.
સીપીઆઇના રાજ્યસભા સાંસદ પી. સંતોશકુમારે 19 સપ્ટેમ્બરે નિવેદન આપ્યું હતું કે 2019 બાદ બદલાયેલી દેશની રાજકીય સ્થિતિને જોતા જો રાહુલ ગાંધી વાયનાડની બેઠક પરથી આગામી ચૂંટણી લડે તો તે એક કમજોરી તરીકે જોવામાં આવશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીપીઆઇના સાંસદે એવો તર્ક આપ્યો હતો કે કેરળનું રાજકારણ ઉત્તર ભારત કરતા અલગ છે. અહીં ભાજપ સ્પર્ધામાં નથી. આથી બેઠકોની વહેંચણી ખૂબ જ જટિલ બની રહે તેવી શક્યતાઓ છે. તેના બદલે જો રાહુલ ગાંધી કોઇ હિંદીભાષી રાજ્યમાં ચૂંટણી લડે તો અને ભાજપ સામે જીતે તો તેમનું સ્થાન મજબૂત ગણાશે, લોકો આમ પણ તેમને ગઠબંધન સરકારના નેતા ગણાવી રહ્યા છે.
જો કો કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ સૂચન ફગાવતા કહ્યું હતું કે ઉમેદવારી પર નિર્ણય લેવો એ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિનો વિશેષાધિકાર છે અને આ મામલે અન્ય કોઇએ પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. કેરળ કોંગ્રેસના ચીફ કે સુધાકરને પણ જણાવ્યું હતું કે રાહુલ વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડે તે જ યોગ્ય રહેશે.
Taboola Feed