રાહુલ ગાંધી ‘ડબલ વોટ’ના આરોપમાં ફસાયા: ચૂંટણી પંચે માગ્યો ખુલાસો, શું છે મામલો?

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં મતદાન કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી રાજકારણમાં મોટી હિલચાલ જોવા મળી હતી. જ્યારે હવે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નોટિસ મોકલીને તેમના મતદાન કૌભાંડના આરોપો પર સ્પષ્ટીકરણ અને પુરાવા માંગ્યા છે.
સાતમી ઓગસ્ટના દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કરેલા આરોપોના જવાબમાં મોકલવામાં આવી છે. આમા તેમણે બેંગલુરુ સેન્ટ્રલના મહાદેવપુરા વિધાનસભા વિસ્તારમાં વ્યાપક મતદાન કૌભાંડનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે.
આપણ વાંચો: મત-ચોરીના આરોપો: રાહુલ ગાંધીને શરદ પવારની મોટી સલાહ…
સૂત્રોની જાણકારી પ્રમાણે મુખ્ય ચૂંટણી અધિકારીએ પત્રમાં લખ્યુ હતું કે, રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં દર્શાવેલા દસ્તાવેજોને ભારતીય ચૂંટણી આયોગના રેકોર્ડ તરીકે રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ આયોગનો ડેટા છે અને મતદાન અધિકારીના રેકોર્ડ અનુસાર શકુન રાનીએ બે વખત મતદાન કર્યું છે. તેમણે વોટર આઈડી કાર્ડ બતાવીને કહ્યું હતું કે તેમાં બે વખત ટિક માર્ક છે, જે પોલિંગ બૂથ અધિકારીના છે. આ આરોપોને લઈને આયોગે તપાસ શરૂ કરી છે.
તપાસ દરમિયાન શકુન રાનીએ જણાવ્યું કે તેમણે માત્ર એક વખત મતદાન કર્યું છે, બે વખત નહીં, જેમ કે આરોપ લગાવવામાં આવ્યો છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ ગાંધીએ રજૂ કરેલા ટિક માર્કવાળા દસ્તાવેજ મતદાન અધિકારી દ્વારા જારી કરાયેલા નથી. તેથી, તેમને વિનંતી કરવામાં આવી છે કે તેઓ તે પ્રાસંગિક દસ્તાવેજો આપે, જેના આધારે તેમણે શકુન રાની કે અન્ય વ્યક્તિએ બે વખત મતદાન કર્યું તેવું અનુમાન કર્યું છે, જેથી વિગતવાર તપાસ કરી શકાય.
આપણ વાંચો: રાહુલ ગાંધીનો વધુ એક ઘટસ્ફોટ; ચૂંટણી પંચ પર દેશદ્રોહના આરોપ લગાવ્યા
રાહુલ ગાંધીના આરોપ અને આયોગનો જવાબ
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં ચૂંટણી આયોગ પર મતદાન યાદીમાં અયોગ્ય મતદાતાઓને સમાવેશ અને યોગ્ય મતદાતાઓને કાઢી નાખવાનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં કર્ણાટકના સીઈઓએ કહ્યું કે ચૂંટણી પરિણામોને ફક્ત ઉચ્ચ અદાલતમાં ચૂંટણી અરજી દ્વારા પડકારી શકાય છે. તેમને ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન રૂલ્સ, 1960ના નિયમ 20 (3) (બી) હેઠળ ઘોષણા/શપથ પત્ર પર હસ્તાક્ષર કરીને મતદાતાઓના નામ સાથે જમા કરવાનું કહેવામાં આવ્યું છે. કર્ણાટક રાજ્ય ચૂંટણી આયોગે જણાવ્યું કે મતદાન યાદી પારદર્શક રીતે તૈયાર કરવામાં આવે છે અને કોંગ્રેસને તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ નહોતી.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે મહાદેવપુરામાં 1,00,250 વોટ ચોરાયા છે, જેમાં 11,965 ડુપ્લિકેટ મતદાર, 40,009 બનાવટી અને અમાન્ય સરનામા, 10,452 એક જ સરનામે અનેક મતદાતા, 4,132 અમાન્ય ફોટા અને 33,692 ફોર્મ છનો દુરુપયોગ સામેલ છે. આયોગે જણાવ્યું કે તાજેતરની મતદાન યાદી કોંગ્રેસ પ્રતિનિધિઓ સાથે વહેંચવામાં આવી હતી અને ત્યારે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નહોતો.