રાહુલ ગાંધીએ સુવર્ણ મંદિરમાં દર્શન કરી સેવા આપી, એક યુવતીએ આ બાબતે મચાવ્યો હોબાળો
અમૃતસર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આવતી કાલે 20 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે, ચુંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે. કોંગ્રેસ પાર્ટી માટે સતત પ્રચાર આભિયાન ચલાવ્યા બાદ રાહુલ ગાંધી ગઈ કાલે સાંજે ગુરુ નાનકના શરણે પહોંચ્યા હતાં. રાહુલ ગાંધીએ પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા અને સેવામાં પણ ભાગ (Rahul Gandhi at Golden Temple) લીધો. રાહુલ ગાંધીની આ મુલાકાત સામે એક યુવતીએ વાંધો ઉઠાવ્યો છે.
જ્યારે રાહુલ ગાંધી સુવર્ણ મંદિર પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. રાહુલ ગાંધીને સુવર્ણ મંદિરમાં VIP ટ્રીટમેન્ટ આપવા પર યુવતીએ વાંધો ઉઠાવ્યો છે. યુવતીનું કહેવું છે કે ગુરુના દરબારમાં બધા સમાન છે.
રાહુલ ગાંધીએ વાસણ સાફકર્યા:
મુલાકાત દરમિયાન દરમિયાન રાહુલ ગાંધી સુવર્ણ મંદિરમાં લોકોને મળ્યા હતા અને દર્શન કર્યા બાદ સેવા કરતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન તેમણે પાણી આપવા અને વાસણો ધોવાની સેવા કરી. આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે ગુરજીત સિંહ ઔજલા અને પૂર્વ ડેપ્યુટી સીએમ ઓમ પ્રકાશ સોની સહિત ઘણા નેતાઓ હાજર હતા.
VIP ટ્રીટમેન્ટ સામે રોષ:
રાહુલ ગાંધીને મંદિર પરિસરમાં VIP ટ્રીટમેન્ટ આપવા પર એક યુવતીએ રોષ વ્યક્ત કર્યો હતો અને મંદિર પરિસરમાં જ હોબાળો મચાવ્યો હતો. યુવતીનો આરોપ છે કે લોકોને કતારમાં ઉભા રાખીને રાહુલ ગાંધીને આગળ લઈ જવામાં આવ્યા હતા અને તેમને અલગથી દર્શન આપવામાં આવ્યા હતા.
યુવતીએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે ગુરુજીના દરબારમાં બધા સમાન છે તો રાહુલ ગાંધીને શા માટે ખાસ સુવિધા આપવામાં આવી. રાહુલ ગાંધી VIP હશે તો ગુરુદ્વારાની બહાર વિશેષ સુવિધા આપવામાં આવે, ગુરુદ્વારાની અંદર દરેક વ્યક્તિ સમાન છે.
ગુસ્સો ઠાલવી રહેલી યુવાતીને લોકોએ સમજાવવા અને શાંત કરવાનો પ્રયાસ શરૂ કર્યો. આમ છતાં યુવતી ન માની. આ દરમિયાન મંદિર પરિસરમાં યુવતી વારંવાર એક જ વાતનું પુનરાવર્તન કરતી જોવા મળી હતી, ‘ગુરુના દરબારમાં બધા સમાન છે, તો રાહુલ ગાંધીને વિશેષ સર્વિસ કેમ આપવામાં આવી?’