Rahul Gandhi મોડી રાતે દિલ્હી એઈમ્સ પહોંચ્યા; કેન્દ્ર સરકાર અને કેજરીવાલ પર કર્યાં પ્રહાર

દિલ્હી: વિધાનસભા ચુંટણીના કાર્યક્રમ જાહેરાત થઇ ગઈ છે, 5 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં મુખ્યત્વે સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી(AAP), ભારતીય જનતા પાર્ટી(BJP) અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. દરેક પક્ષના નેતાઓ સતત લોકોની વચ્ચે રહી મતદારોને રીજવવાની પ્રયાસ કરી રહ્યા છે. એવામાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi at Delhi AIIMS) ગુરુવારે મોડી રાત્રે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા.
રાહુલ ગાંધી હોસ્પિટલની આસપાસના રસ્તાઓ, ફૂટપાથ અને સબવે પર ઈલાજ માટે રાહ જોઈ રહેલા દર્દીઓ અને તેમના સંબંધીઓને મળ્યા. હોસ્પિટલમાં આવી અવ્યવ્સ્યા જોઈને રાહુલ ગાંધી રોષે ભરાયા હતાં, તેમણે કેન્દ્ર અને દિલ્હી સરકાર પર પ્રહાર કર્યા હતાં.

કોંગ્રેસે વિડીયો શેર કર્યો:
કોંગ્રેસ પાર્ટીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર રાહુલ ગાંધીની એઈમ્સ મુલાકાતની માહિતી આપી. કોંગ્રેસે એક પોસ્ટ કરીને લખ્યું કે, “સારવાર માટે મહિનાઓ રાહ જોવી, અસુવિધા અને સરકારની અસંવેદનશીલતા – આજે દિલ્હી એઇમ્સની આ વાસ્તવિકતા છે. પરિસ્થિતિ એવી છે કે જે લોકો દૂર દૂરથી પોતાના પ્રિયજનોની બીમારીનો ઈલાજ કરવવા આવ્યા છે, તેઓ આ કડકડતી ઠંડીમાં ફૂટપાથ અને સબવે પર સૂવા માટે મજબૂર છે. આજે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સારવારની રાહ જોઈ રહેલા દર્દીઓને મળ્યા, તેમની સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી.”
કોંગ્રેસે વધુમાં લખ્યું કે, “દૂર દૂરથી સારવાર માટે આવેલા લોકો અહીં રસ્તાઓ, ફૂટપાથ અને સબવે પર સૂવા માટે મજબૂર છે. મોદી સરકાર અને દિલ્હી સરકારે તેમને તેમના હાલ પર છોડી દીધા છે. સરકારોએ પોતાની જવાબદારીથી મોઢું ફેરવી લીધું છે.”
Also read: રાહુલ ગાંધી આવતીકાલે પરભણીની મુલાકાતે,સોમનાથ સૂર્યવંશીના પરિવારને મળશે
દર્દીઓ અને સંબંધીઓને હાલાકી:
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં રાહુલ ગાંધી દર્દીઓ અને તેમના પરિવારો સાથે વાત કરતા જોવા મળે છે. એક દર્દી રાહુલ ગાંધીને કહ્યું કે તેમને પાસ આપવામાં આવ્યો છે પણ તારીખ આપવામાં આવી નથી. એક દર્દીના સંબંધીએ જણાવ્યું તેઓ સબવે પર રોકાઈ રહ્યા છે અને તેમને ત્યાંથી પણ ભગાડવામાં આવે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે.