રાહુલ ગાંધીનો વધુ એક ઘટસ્ફોટ; ચૂંટણી પંચ પર દેશદ્રોહના આરોપ લગાવ્યા

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રસના સંસદ રાહુલ ગાંધી ગઈ કાલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકમાં ચૂંટણી દરમિયાન કથિત ‘વોટ ચોરી’ અંગે ઘટસ્ફોટ કર્યા હતાં, તેમણે ભારતના ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા. હવે તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચે સાઠગાંઠના આરોપ લગાવ્યા.
રાહુલ ગાંધીના સત્તાવાર X હેન્ડલ પર શેર કરવામાં આવેલા એક વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “વોટ ચોરી એ ફક્ત ચૂંટણી કૌભાંડ જ નથી, તે બંધારણ અને લોકશાહી વિરુદ્ધ કરવામાં આવેલ એક મોટું કૌભાંડ છે. દેશના ગુનેગારોએ સાંભળવું જોઈએ – સમય બદલાશે, સજા ચોક્કસ મળશે.”
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર “દેશદ્રોહ”નો આરોપ લગાવ્યો. તેમણે ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કૌભાંડના આરોપ લગાવ્યા.
‘…તો મોદી વડાપ્રધાન ન હોત’
આજે સવારે શેર કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું, “મારો જન્મ એક રાજકીય પરિવારમાં થયો છે. 1980 માં હું અને મારી બહેન પ્રિયંકા ઘરે ચૂંટણી પોસ્ટરો તૈયાર કરતા હતા, ચૂંટણી કેવી રીતે થાય છે એ હું જાણું છું, છેલ્લા 20 વર્ષથી હું પોતે ચૂંટણી લડી રહ્યું છું, પોલીંગ બૂથ કેવી રીતે સંભાળવું, વોટર લીસ્ટ કેવી રીતે બને છે એ મને ખબર છે.”
રાહુલ ગાંધીએ વિવધ રાજ્યોમાં ચૂંટણી દરમિયાન થયેલા કથિત કૌભાંડ અંગે પંચ અને ભાજપ પર આરોપ લગાવ્યા અને કહ્યું કે ચૂંટણી નિષ્પક્ષતાથી થઇ હોત તો આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોત, પણ INDIA ગઠબંધનની સરકાર હોત.
‘એક સમય આવશે….’
રાહુલ ગાંધીએ બિહારમાં મતદાર યાદીઓ સુધારવા માટે કરવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિશે ખુલાસા કર્યા. તેમણે કહ્યું “આ ઇન્સ્ટીટયુશનલ ચોરી છે. ચૂંટણી પંચ મતદાર યાદીઓનું રિવિઝન કરીને ભાજપને મદદ કરવા માંગે છે”
રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું કે SIR થી ગરીબ લોકો અસર થશે. તેમણે ચૂંટણી પંચ અને તેના અધિકારીઓને કહ્યું “આ દેશદ્રોહ છે. એક સમય આવશે જ્યારે અમે તમને પકડી પાડીશું.”
આ પણ વાંચો…‘કર્ણાટક-મહારાષ્ટ્રમાં મતોની ચોરી થઈ’: રાહુલ ગાંધીએ EC પર ફરી કર્યા પ્રહાર