ભાગ્યે જ ચૂંટણી લડતા ગુજરાતના આ પક્ષોને મળ્યું કરોડોનું દાન? રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ | મુંબઈ સમાચાર
નેશનલ

ભાગ્યે જ ચૂંટણી લડતા ગુજરાતના આ પક્ષોને મળ્યું કરોડોનું દાન? રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ

અમદાવાદ: તાજેતરમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં કથિત છેડછાડ મુદ્દે ભારતના ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. હાલ તેઓ બિહારમાં મતદાર અધિકાર યાત્રા પર નીકળ્યા છે, એવામાં તેમણે એક અખબારી અહેવાલને ટાંકીને ગુજરાતમાં ચૂંટણી ફંડમાં ગોટાળા થયા હોવાના આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા X પર રાહુલ ગાંધીએએ એક હિન્દી અખબારનો અહેવાલ શેર કર્યો છે. અખબાર જણાવવામાં આવ્યું છે જે ગુજરાતમાં ભાગ્યેજ ચુંટણી લડતા 10 રાજકીય પક્ષોને કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ મળ્યું છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે આ ફંડ કોણે આપ્યું અને ક્યા ગયું? તેમણે આ અંગે તપાસ કરવાની માંગ કરી છે.

રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ:

રાહુલ ગાંધીને શેર કરેલા અખબારના અહેવાલ સાથે લખ્યું કે, “ગુજરાતમાં કેટલીક અનામી પાર્ટીઓ છે જેમનું નામ કોઈએ સાંભળ્યું નથી – પણ તેમને 4300 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે! આ પાર્ટીઓએ ભાગ્યેજ ચૂંટણી લડી છે, અથવા ચૂંટણી લડવા પર ખર્ચ કર્યો છે. આ હજારો કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? તેને (પાર્ટીઓને) કોણ ચલાવી રહ્યું છે? અને પૈસા ક્યાં ગયા? શું ચૂંટણી પંચ તપાસ કરશે કે તેઓ આ વખતે પણ સોગંદનામું માંગશે? અથવા તેઓ કાયદો જ બદલી દેશે, જેથી આ ડેટા પણ છુપાવી શકાય?”

વર્ષમાં રૂ. 4300 કરોડ ક્યાંથી આવ્યા?

અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં રજીસ્ટર્ડ 10 અનામી રાજકીય પક્ષોને મોટા પ્રમાણમાં દાન મળ્યું છે. અહેવાલ મુજબ આ પક્ષોને 2019-20 થી 2023-24 સુધીના પાંચ વર્ષમાં રૂ. 4300 કરોડનું દાન મળ્યું છે. આ સમયગાળા દરમિયાન, યોજાયેલી 2019 તથા 2024ની બે લોકસભા અને 2022 વિધાનસભા એક ત્રણ ચૂંટણીઓમાં આ પક્ષો ગુજરાતમાં ફક્ત 43 ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને કુલ 54,069 મત મેળવ્યા હતા.

અહેવાલ મુજબ આ પક્ષોએ ચૂંટણી પંચમાં જમા કરાવેલા રીપોર્ટ મુજબ આ પક્ષોએ માત્ર 39.02 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો છે, જ્યારે ઓડિટ અહેવાલમાં 3500 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.

આ પક્ષોના નામ સાંભળ્યા છે?

ગુજરાતના લોકશાહી શક્તિ પક્ષ, ભારતીય રાષ્ટ્રીય જનતા દળ, મુક્ત અભિવ્યક્તિ પાર્ટી, ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, ભારતીય જન પરિષદ, સૌરાષ્ટ્ર જનતા પાર્ટી, જન મન પાર્ટી, માનવ અધિકાર રાષ્ટ્રીય પક્ષ, ગરીબ કલ્યાણ પાર્ટીને જેવા લગભગ ગુમનામ પક્ષોને 2019-20 થી 2023-24 સુધીના પાંચ વર્ષમાં કુલ રૂ. 4300 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.

આ પણ વાંચો…રાહુલ ગાંધીની યાત્રામાં સુરક્ષામાં થઈ મોટી ચૂક, વાયરલ વીડિયોમાં યુવકે શું કર્યું?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button