Rahul Gandhi ની મુશ્કેલીમાં વધારો, હવે લખનૌની અદાલતે હાજર ન રહેતા ફટકાર્યો દંડ

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની(Rahul Gandhi)મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે લખનૌની એક અદાલતે કેસમાં હાજર નહિ રહેતા દંડ ફટકાર્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં સ્વતંત્રતા સેનાની વીર સાવરકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદનનો કેસ લખનૌ દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીનું નિવેદન સમાજમાં નફરત ફેલાવી રહ્યું છે.
ગેરહાજરી બદલ 200 રૂપિયાનો દંડ ફટકાર્યો
જોકે, આ કેસમાં રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર થવાના હતા પરંતુ રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ માટે અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે.
આપણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા પછી પહેલી વાર ગુજરાત આવશે રાહુલ ગાંધી
આજે તેમને એક વિદેશી મહાનુભાવને મળવાનું હતું. આ મુલાકાત પૂર્વ-આયોજિત હતી. એટલા માટે તે કોર્ટમાં આવી શકયા નથી. જોકે, આ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેમની મુક્તિ માટેની અરજી ફગાવી દીધી અને ગેરહાજરી બદલ 200 રૂપિયાનો દંડ ફટકાર્યો.
4 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું
જ્યારે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને 14 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. જો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી 14 એપ્રિલે કોર્ટમાં હાજર નહીં થાય તો તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
રાહુલ ગાંધીએ આપ્યું હતું આ વિવાદાસ્પદ નિવેદન
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ અકોલામાં એક પ્રેસ કોન્ફરન્સમાં વીર સાવરકર વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કથિત રીતે વીર સાવરકરને અંગ્રેજોના નોકર અને પેન્શનર કહ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન સામે અરજદારે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.