
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકારની વિદેશનીતિ પર આકરી ટીકા કરી છે. આજે રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂરના મુદ્દે સરકારની નીતિઓની ટીકા કરી અને કહ્યું કે આ મામલે કોઈ દેશે ભારતનું સમર્થન નથી કર્યું. આ ઉપરાંત, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાના દાવાઓ પર રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારની વિદેશ નીતિ નિષ્ફળ રહી છે, કારણ કે ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું નથી. સાતમી રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, પરિણામે સાતમી મેના ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં હતી, જેમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આ કાર્યવાહી ફક્ત આતંકવાદી ઠેકાણાઓ સુધી મર્યાદિત હતી.
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડન કેસમાં આપ્યો મોટો ચુકાદો, બે મહિના સુધી ધરપકડ પર રોક
રાહુલ ગાંધીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ પર પણ ટીકા કરી. ટ્રમ્પે ઘણી વખત દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને વેપારી વાતચીત દ્વારા રોક્યો હતો. રાહુલે આ અંગે કહ્યું, “ટ્રમ્પ 25 વખત આ વાત કહી ચૂક્યા છે, કંઈક ગરબડ છે.” ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનની વિનંતી બાદ જ સૈન્ય કાર્યવાહી રોકવામાં આવી હતી, નહીં કે ટ્રમ્પના હસ્તક્ષેપથી. આ નિવેદનથી રાહુલે સરકારની વિદેશ નીતિની અસરકારકતા પર સવાલ ઊભા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ ભારત સરકારે અમેરિકા સહિત અનેક દેશોમાં પ્રતિનિધિમંડળો મોકલ્યા હતા, જેઓ આ કાર્યવાહીની વિગતો અને ભારતનો દૃષ્ટિકોણ સમજાવવા ગયા હતા. તાજેતરમાં અમેરિકાએ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફોર્સ (ટીઆરએફ)ને આતંકવાદી જૂથ જાહેર કર્યું છે. આ સંગઠને પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી. આ ઘટનાઓએ ભારતની આતંકવાદ વિરુદ્ધની લડાઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં લાવી છે.