Sonia Gandhi: સોનિયા ગાંધીએ રાજસ્થાનમાંથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી, રાહુલ ગાંધી રહ્યા હાજર

જયપુર: કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી(Sonia Gandhi)ને રાજ્યસભા ચૂંટણી(Rajya sabha election) માં રાજસ્થાનથી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આજે બુધવારે સવારે તેમણે રાજસ્થાન(Rajsthan)થી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. સોનિયા ગાંધી આજે સવારે જયપુર(Jaipur)પહોંચ્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સંસદના ઉપલા ગૃહમાં રાજસ્થાનથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરશે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના નિવાસસ્થાને પહોંચીને સોનિયા ગાંધીના ઉમેદવારી સેટ પર વિધાનસભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. કોંગ્રેસના વિધાનસભ્યો ઘનશ્યામ મેહર, ડુંગરા રામ ગાયડર, રીટા ચૌધરી, ભીમરાજ ભાટી, શિમલા નાયક, ગીતા બરવાડ, સીએલ પ્રેમીએ નામાંકન સેટ પર હસ્તાક્ષર કર્યા હતા.
સોનિયા ગાંધી 1999થી સતત લોકસભાના સભ્ય છે. હાલમાં ઉત્તર પ્રદેશના રાયબરેલી લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ અમેઠીથી લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ પહેલીવાર હશે જ્યારે તે સંસદના ઉપલા ગૃહમાં જશે. આ પહેલા સોનિયા ગાંધી લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે.
સોનિયા ગાંધીએ 2019માં જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી લોકસભા ચૂંટણી હશે. કોંગ્રેસ કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાની બેઠકો જીતવાની સ્થિતિમાં છે.
રાજ્યસભાની ચૂંટણી માટે 8મી ફેબ્રુઆરીથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 16 ફેબ્રુઆરીએ થશે, જ્યારે ઉમેદવારો 20 ફેબ્રુઆરી સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. જરૂર પડશે તો 27 ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.