વકફ બિલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકાર પ્રહાર; કહ્યું હવે RSSનું ધ્યાન ચર્ચોની જમીન પર….

નવી દિલ્હી: વકફ સંશોધન બિલને સંસદના બંને ગૃહમાં પસાર કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ આ મામલે રાજકારણમાં આકરો તાપ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષે આ મામલે સુપ્રીમમાં જવાની વાત કરી છે. ત્યારે હવે વકફ સુધારા બિલ પસાર થયા બાદ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હચે કે ભવિષ્યમાં અન્ય સમુદાયોને નિશાન બનાવવાની આશંકા છે.
RSSનું ધ્યાન ખ્રિસ્તીઓ તરફ
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અંગ્રેજી અખબારનો અહેવાલ શેર કર્યો અને લખ્યું કે મેં કહ્યું હતું કે વકફ બિલ હાલમાં મુસ્લિમો પર હુમલો કરે છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને પણ નિશાન બનાવવામાં આવશે. તેમણે આગળ લખ્યું કે વકફ બાદ RSSનું ધ્યાન ખ્રિસ્તીઓ તરફ જતા વધુ સમય નથી લાગ્યો. બંધારણ એકમાત્ર ઢાલ છે જે આપણા લોકોને આવા હુમલાઓથી રક્ષણ આપે છે અને તેનું રક્ષણ કરવું એ આપણું સામૂહિક કર્તવ્ય છે.
કેથોલિક ચર્ચ પાસે આટલા હેક્ટર જમીન!
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ જે અહેવાલ શેર કર્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે સંસદમાં વક્ફ બિલ સફળતાપૂર્વક પસાર થયા બાદ RSSનું ધ્યાન કેથોલિક ચર્ચની જમીન પર ગયું છે. RSS-સંલગ્ન મેગેઝિન ઓર્ગેનાઇઝરના વેબ પોર્ટલ પર ‘ભારતમાં કોની પાસે વધુ જમીન છે? કેથોલિક ચર્ચ vs.વક્ફ બોર્ડ ચર્ચા’ શીર્ષકવાળા લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે કેથોલિક સંસ્થાનો પાસે 7 કરોડ હેક્ટર જમીનની માલિકી છે અને તેને સૌથી મોટા બિન-સરકારી જમીન માલિક તરીકે વર્ણવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: બિહારમાં નીતિશ કુમાર ફસાયા, વકફ બિલ મુદ્દે પાર્ટીમાં ધમાસાણ, 20 મુસ્લિમ પદાધિકારીઓએ પક્ષ છોડ્યો…
સંસદનાં બંને ગૃહોએ આપી મંજૂરી
4 એપ્રિલ, 2025 શુક્રવારના રોજ સંસદે વકફ (સુધારા) બિલ 2025ને રાજ્યસભામાં લગભગ 14 કલાકની ચર્ચા બાદ મંજૂરી આપી દીધી હતી. રાજ્યસભામાં આ બિલનાં સમર્થનમાં 128 મતો પડ્યા હતા જ્યારે 95 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. સરકારે કહ્યું કે આ કાયદો મુસ્લિમો વિરુદ્ધ નથી, તેના બદલે તેનો હેતુ ફક્ત વકફ મિલકતોના વહીવટમાં પારદર્શિતા લાવવાનો છે, જ્યારે વિપક્ષે આ બિલનો હેતુ મુસ્લિમોને “બીજા વર્ગના નાગરિકો” બનાવવાનો આરોપ લગાવ્યો હતો.