‘જનતા અભિમન્યુ નહીં પણ અર્જુન છે…’, રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી
નવી દિલ્હી: ગત લોકસભાના ચૂંટણી પરિણામોમાં INDIA ગઠબંધને ભાજપ અને NDA ગઠબંધનને મજબુત ટક્કર આપી હતી, ત્યાર બાદથી કોગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ભાજપ અને વડા પ્રધાન મોદી પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે. આજે મંગળવારે રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં સામાન્ય ભારતીયોના ‘ખાલી ખિસ્સા’ પણ કાપવામાં આવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, મિત્ર ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરવા વાળી સરકારે બેંક કાઉન્ટમાં ‘મિનિમમ બેલેન્સ’ પણ જાળવવામાં અસમર્થ ગરીબ ભારતીયો પાસેથી 8,500 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.
રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું છે કે ‘દંડ પ્રણાલી’ મોદીના ચક્રવ્યૂહનો એ દ્વાર છે, જેના દ્વારા સામાન્ય ભારતીયની કમર તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ યાદ રાખો કે ભારતના લોકો અભિમન્યુ નથી, પરંતુ અર્જુન છે. તે જાણે છે કે ચક્રવ્યુહ તોડીને તમારા દરેક અત્યાચારનો જવાબ કેવી રીતે આપવો.
તાજેતરના એક રીપોર્ટ મુજબ જે લોકો પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ નથી જાળવી શક્યા તેમની પાસેથી છેલ્લા પાંચ વર્ષમાં કુલ 8500 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોની મીનીમમ બેલેન્સ પેનલ્ટીની રકમમાં 38 ટકાનો વધારો થયો છે. નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. જેના સંદર્ભમાં રાહુલ ગાંધીએ આ ટીપ્પણી કરી છે.
નાણા રાજ્ય પ્રધાને આપેલી માહિતી મુજબ, 11 સરકારી બેંકોમાંથી 6 બેંકોએ લઘુત્તમ ત્રિમાસિક સરેરાશ બેલેન્સ ન રાખવા બદલ દંડ વસૂલ્યો છે, જ્યારે 4 બેંકોમાં લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી આ દંડ વસૂલવામાં આવ્યો છે. ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા શહેરો અને ગામડાઓમાં અલગ અલગ હોય છે. મિનિમમ બેલેન્સ ન રાખવા પર ગ્રાહકો પાસેથી શહેરોમાં 250 રૂપિયા, નાના ટાઉનમાં 150 રૂપિયા અને ગામડાઓમાં 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.