ટ્રમ્પની ટેરિફની ડેડલાઇન પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું પીએમ મોદી ઝૂકી જશે

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોર્નિંગથી અનેક દેશોની મુશ્કેલી વધી છે. જેમાં ભારત અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડીલ આખરી તબક્કા છે. તેમજ માત્ર બે મુદ્દા પર વાત અટકી હોવાની માહિતી છે. જ્યારે
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે ભારત અમેરિકા સાથે ત્યારે જ ટ્રેડ ડીલ કરશે જ્યારે તેના હિતોનું રક્ષણ થશે. ત્યારે કેન્દ્રીય મંત્રીના નિવેદન પર વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
મોદી ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન સામે ઝૂકી જશે : રાહુલ ગાંધી
જેમાં રાહુલ ગાંધીએ કહ્યું ટ્વીટ કરીને કહ્યું છે કે, પિયુષ ગોયલ ગમે તેટલી છાતી ઠોકે, પણ મારી વાત યાદ રાખજો, મોદી ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન સામે ઝૂકી જશે.
ભારત પર 26 ટકા ટેરિફ લાદવાની વાત કરી
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લાદવાની વાત કરી હતી. આ પછી કરાર 90 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો હતો. આ સમય મર્યાદા 9 જુલાઈના રોજ સમાપ્ત થઇ રહી છે. ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે હજુ કોઇ અંતિમ ટ્રેડ ડીલ થઈ નથી.
ભારતે કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ન ઘટાડવાનો નિર્ણય લીધો
એક મુખ્ય મુદ્દો એ છે કે ભારતે મકાઈ અને સોયાબીન જેવી યુએસ કૃષિ આયાત પર ટેરિફ ન ઘટાડવા અંગે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ડેરી ક્ષેત્ર સુધી વ્યાપક પહોંચની માંગ કરી હતી, જે ભારતમાં 80 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે. આ પણ વિવાદનો વિષય રહ્યો છે.
આ મુદ્દો ઉકેલાઈ શક્યો ન હતો
બીજી તરફ, ભારતે કાપડ, રત્નો અને ઝવેરાત, ચામડાની ચીજવસ્તુઓ અને રસાયણો સહિત યુએસ શ્રમ-સઘન ઉદ્યોગોમાં વધુ પ્રવેશની માંગ કરી છે. ખાસ સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં ભારતનું પ્રતિનિધિમંડળ ચર્ચા માટે નિર્ધારિત સમય કરતાં વધુ સમય માટે વોશિંગ્ટનમાં રોકાયું હતું પરંતુ આ મુદ્દો ઉકેલાઈ શક્યો ન હતો.
આ પણ વાંચો…ટ્રમ્પની ટેરિફ વોર્નિંગ: આજે રાતથી 12 દેશને મળશે ચેતવણી પત્રો, ભારત પર શું થશે અસર?