નેશનલ

કોણ જૂઠું બોલે છે: પેંગ્વિન કે જનરલ નરવણે? રાહુલ ગાંધીએ સંસદમાં પુસ્તક બતાવી સરકારને ઘેરી

નવી દિલ્હી: સંસદના ચાલુ સત્રમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેની બાયોગ્રાફી ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ નો ઉલ્લેખ કરતા વિવાદ શરુ થયો છે. આજે સવારે પુસ્તકના પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ જણવ્યું હતું કે ભારતમાં આ આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું નથી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે પેંગ્વિન રેન્ડમ હાઉસ ખોટું બોલી રહ્યું છે.

સંસદ ભવન પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જનરલ નરવણેએ ડિસેમ્બર 2023માં કરેલા એક ટ્વીટનો ઉલ્લેખ કર્યો, જેમાં નરવણેએ પોતાનું પુસ્તક પ્રકાશિત થયું હોવાની જાણ કરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું, “નરવણેનું એક ટ્વીટ છે જેમાં તેમણે લખ્યું છે કે, ‘મારા પુસ્તકની લિંકને ફોલો કરો…’ હું જે મુદ્દો ઉઠાવી રહ્યો છું તે છે કે કાં તો નરવણે જૂઠું બોલી રહ્યા છે, અથવા પેંગ્વિન જૂઠું બોલી રહ્યા છે. મને નથી લાગતું કે ભૂતપૂર્વ આર્મી ચીફ જૂઠું બોલશે.”

રાહુલ ગાંધીએ કહ્યું, “પેંગ્વિન કહે છે કે પુસ્તક પ્રકાશિત થયું નથી… પણ પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ છે. જનરલ નરવણેએ ટ્વીટ કર્યું, ‘પ્લીઝ મારું પુસ્તક ખરીદો’… હું પેંગ્વિન કરતાં નરવણેજી પર વધુ વિશ્વાસ કરું છું. શું તમે નરવણેજી કરતાં પેંગ્વિન પર વિશ્વાસ કરો છો?”

સરકાર અને વડાપ્રધાનને તકલીફ પડી શકે છે:
રાહુલ ગાંધીએ પુસ્તકની એક કોપી બતાવી અને કહ્યું, “સ્પીકરે કહ્યું છે કે આ પુસ્તક અસ્તિત્વમાં નથી… સરકારે કહ્યું છે કે તે અસ્તિત્વમાં નથી… સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહજીએ કહ્યું છે કે આ પુસ્તક અસ્તિત્વમાં નથી. પરંતુ ભારતના દરેક યુવાનોને ખબર છે કે આ પુસ્તક અસ્તિત્વમાં છે.”

રાહુલ ગાંધીએ કહ્યું, “મારું માનવું છે કે નરવણેજીએ તેમના પુસ્તકમાં એવું લખ્યું છે, ભારત સરકાર અને વડા પ્રધાનને તકલીફ પહોંચાડી શકે છે. તમારે નક્કી કરવું પડશે કે પેંગ્વિન સાચું બોલી રહ્યું છે કે ભૂતપૂર્વ આર્મી ચીફ…”

શું છે વિવાદ?
ગયા અઠવાડિયે રાહુલ ગાંધી સંસદમાં ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ નું એક ન્યુઝ વેબસાઈટ પર રીવ્યુના કેટલાક અંશો વાંચવા ઉભા થયા, જેમાં 2020 માં લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે થયેલા સંઘર્ષનો ઉલ્લેખ હતો.

લોકસભા સ્પીકરે રાહુલ ગાંધીને વાંચતા અટકાવ્યા, સ્પીકરે કહ્યું કે જે લખાણ પ્રકશિત નથી થયું તેને સંસદમાં વાંચી ન શકાય. રાહુલ ગાંધીએ વ્યક્તિગત જવાબદારી સાથે રીવ્યુનો ભાગ વાંચવાની ગેરંટી આપી. જોકે, બીજા દિવસે પણ તેમને રોકવામાં આવ્યા, જેના કારણે શાસક ભાજપના સાંસદો અને વિપક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button