રાહુલ ગાંધીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ, વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે
આ સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું, બધાએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. વિપક્ષે તમામ કાર્યવાહીમાં સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે સરકારને ખાતરી આપી હતી કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે છે.
સુરક્ષામાં ખામી અંગે ચર્ચા કરવામાં આવી
જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે આ બેઠકમાં સુરક્ષામાં ખામી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આતંકવાદનો સામનો કરવામાં તમામ પક્ષો સરકારની સાથે છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકારે તમામ પક્ષોના નેતાઓને આતંકવાદ સામે યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
આતંકવાદી કેમ્પોને નષ્ટ કરવા માટે કાર્યવાહી કરવાની માંગ
પહેલગામ હુમલા પર કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બધા પક્ષોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. અમે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે પ્રયાસો કરવા જોઈએ. જ્યારે આપ નેતા સંજય સિંહે કહ્યું કે તમામ પક્ષોએ સરકાર પાસે આતંકવાદી કેમ્પોને નષ્ટ કરવા માટે કાર્યવાહી કરવાની માંગ કરી.