રાહુલ ગાંધીએ આપી દેશ માટે આવા ઈકોનોમિક મોડેલની રૂપરેખા

નવી દિલ્હીઃ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ એક ટ્વીટ કરી છે અને તેમાં દેશનું આર્થિક મોડેલ કેવું હોવું જોઈએ તે અંગે વાત કરી છે. સ્વાભાવિક તેઓ વિપક્ષમાં હોવાથી અવારનવાર કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓની ટીકા કરતા હોય છે. ત્યારે હવે તેમણે દેશમા આર્થિક વિકાસ કેવો હોવો જોઈએ તેની રૂપરેખા આપી છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું હતું કે સરકારના માત્ર થોડાક નજીકના ધનિક મિત્રોને જ ભારતના આર્થિક વિકાસથી ફાયદો થઈ રહ્યો છે અને લોકતાંત્રિક ઉત્પાદન અર્થતંત્ર મોડલની જરૂર છે જે ઉચ્ચ ગુણવત્તાની નોકરીઓ અને શ્રમના ગૌરવની સાથે આર્થિક વૃદ્ધિને નિશ્ચિત કરી શકે. . ટ્વિટર પરની એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અર્થપૂર્ણ રોજગાર વિનાનો આર્થિક વિકાસ અસમાનતાને વેગ આપે છે અને વિકાસને નબળો પાડે છે. હાલમાં, સરકારના માત્ર કેટલાક નજીકના ધનિક મિત્રોને જ ભારતના આર્થિક વિકાસનો લાભ મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય ભારતીયો બેરોજગારી સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને ભાવ વધારો તેમને સતાવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું હતું કે લોકશાહી ઉત્પાદન અર્થતંત્ર મોડલ માત્ર વૃદ્ધિ જ નહીં પરંતુ ઉચ્ચ ગુણવત્તાની નોકરીઓ અને શ્રમનું ગૌરવ પણ જાળવે છે. જે ટકાઉ આર્થિક વિકાસનો પાયો નાખે છે. તેમણે એમ પણ ભાર મૂકીને કહ્યું કે માત્ર વિકાસનો માપદંડ જ ભારતને મહાસત્તાનો દરજ્જો આપશે નહીં.
તેમણે કહ્યું કે ભારતના 140 કરોડથી વધુ નાગરિકો માટે, આર્થિક ન્યાયનો અર્થ છે સમાન તક અને ભારતની લોકતાંત્રિક ઉત્પાદન વૃદ્ધિની યાત્રામાં ભાગીદારી. રાહુલ ગાંધી છેલ્લા કેટલાક મહિનાઓમાં ગરીબ અને અમીર વચ્ચેના સંપત્તિના અંતરને ઉજાગર કરી રહ્યા છે. આ સાથે બેરોજગારી, ગરીબી અને જાતિ આધારિત વસતિ ગણતરીના મુદ્દાઓ પણ લોકો સમક્ષ મૂકી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને સત્તા નહીં તો એક મજબૂત વિરોધપક્ષ તરીકે પણ ટકી રહેવાનો જંગ લડવો પડે તેવી સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીની ભૂમિકા મહત્વની સાબિત થઈ શકે તેમ છે.