એક વર્ષમાં તમારા એકાઉન્ટમાં ઠકાઠક પૈસા આવશેઃ કોણે કહ્યું આમ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કા અંતર્ગત શુક્રવારે દેશભરમાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકના બીજાપુરમાં જાહેર સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ દિવસોમાં પીએમ મોદી તેમના ભાષણમાં ખૂબ જ નર્વસ લાગે છે. કદાચ આગામી થોડા દિવસોમાં તે સ્ટેજ પર રડી પડશે.
ગાંધીએ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનની સરકાર વિશ્વની પ્રથમ સરકાર હશે, જે ભારતના દરેક બેરોજગાર સ્નાતકોને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપશે. ગાંધીએ કહ્યું કે કરોડો યુવાનોની પહેલી નોકરી કન્ફર્મ થવા જઈ રહી છે. અમારી સરકાર યુવાનોને ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, સરકારી કચેરીઓ અને સરકારી હોસ્પિટલોમાં એપ્રેન્ટિસશીપ આપશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ગ્રેજ્યુએટ, ડિપ્લોમા હોલ્ડર, કોલેજ ગ્રેજ્યુએટ, યુનિવર્સિટી ગ્રેજ્યુએટને સરકાર પાસેથી એક વર્ષની નોકરી માંગવાનો અધિકાર હશે. ગાંધીએ કહ્યું કે જેમ અમે મનરેગામાં રોજગારની ખાતરી આપી છે, તેવી જ રીતે અમે સ્નાતકોને એપ્રેન્ટિસશિપની ખાતરી આપી રહ્યા છીએ. એક વર્ષ માટે નોકરી મળશે અને દર મહિને 8,500 રૂપિયા બેંક ખાતામાં એક લાખ રૂપિયા જમા થશે. ભારતને કરોડો યુવાનોને બળ મળશે. તેમણે કહ્યું છે કે જેમને ગેરંટી આપી છે તેમના ખાતામાં ઠકાઠક રૂપિયા આવશે અને વર્ષના અંતે તેમને રૂ. એક લાખ જેટલી મદદ મળશે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે નરેન્દ્ર મોદીએ આજ સુધી ખેડૂતોની લોન માફ કરી નથી. તેઓ ખેડૂતોને કાયદેસર MSP પણ આપતા નથી. અમારી સરકાર આવતાની સાથે જ ખેડૂતોની લોન માફ કરશે.
ગાંધીએ ફરી માત્ર ગણ્યાગાઠ્યા ઉદ્યોગપતિઓ માટે મોદી સરકાર કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાન ગમે તે વિષય પર વાત કરી તમારું ધ્યાન ભટકાવે છે.
આજે બીજા તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીની બેઠક વાયનાડમાં પણ મતદાન થયું છે. આ ચૂંટણીનું પરિણામ ચોથી જૂને આવશે.