રાહુલ અમેરિકામાં સામ પિત્રોડાને મળ્યાઃ હવે સંબોધનમાં શું કહે છે તેના પર સૌની નજર

નવી દિલ્હીઃ કૉંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી અમેરિકાની મુલાકાતે ગયા છે. તેમના એરપોર્ટ પહોંચતા જ કૉંગ્રેસ ઑવરસિઝના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું, જેમાં સામ પિત્રોડા પણ હતા. પિત્રોડાએ તેમના આગમન સમયે ટ્વીટ પણ કરી હતી. તેમણે રાહુલને યુવાઓનો અને લોકશાહીનો અવાજ કહ્યા હતા.
બોસ્ટન એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત થયું અને અહીં તેઓ બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાના છે તેવી માહિતી મળી છે ત્યારે ગયા વખતે રાહુલે આવી જ રીતે વિદ્યાર્થીઓને સંબોધતા જે નિવેદન આપ્યું હતું, તેનાથી હોબાળો મચી ગયો હતો.
શું કહ્યું હતું રાહુલે?
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાહુલ ગાંધી અમેરિકા-ટેકસાસની મુલાકાતે ગયા હતા અને અહીં તેમણે ભારતની અનામત પ્રથા વિશે ટીપ્પણી કરી હતી, જેનો ભારે વિવાદ જાગ્યો હતો. રાહુલે કહ્યું હતું કે દેશ જ્યારે સર્વસમાવેશક બની જશે ત્યારે જ્ઞાતિ આધારિત અનામત વિશે ફેરવિચાર કરવામાં આવશે. આ સાથે રાહુલે ભારતમાં જાતિ આધારિત મત ગણતરી કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે દેશની 90 ટકા વસ્તી ઓબીસી, દલિતો અને આદિવાસીઓની છે. તેમને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહ્યું નથી. મોટાભાગની સંસ્થાઓમાં તેમની કોઈ ભૂમિકા નથી. તેઓ રમતના એટલે કે વ્યવસ્થાના ભાગ હજુ સુધી બની શક્યા નથી. તેઓ માત્ર રૂમમાં પુરાયેલા હાથી જેવા જ છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધી બે દિવસના અમેરિકાના પ્રવાસે, બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ
તેમના આ નિવેદન બાદ ભારતમાં કૉંગ્રેસ આરક્ષણ ખતમ કરવા માગે છે તેવો પ્રચાર ભાજપે કર્યો હતો અને આ મામલો સંસદમાં પણ ચગ્યો હતો. રાહુલ ભારતના મુદ્દાઓને વિદેશોમાં આ રીતે જણાવી દેશની છબિને નુકસાન પહોંચાડે છે તેવી ટીકા ઘણીવાર થઈ છે. આજે ફરી રાહુલ અમરિકામાં છે અને સંબંધોન પણ આપવાનો છે ત્યારે તે શું કહે છે તેના પર ભાજપ જેટલી જ નજર કૉંગ્રેસની હશે કારણ કે રાહુલ ગાંધીના નિવેદનોનો જવાબ તેમણે આપવો પડે છે.