
પુર્ણિયાઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહાર પહોંચે તે પહેલા જ બિહારમાં રાજકીય ઉથલપાથલ થઈ અને I.N.D.I.A. Allianceના મુખ્ય નેતા એવા નીતીશ કુમારે ફરી ભાજપ સાથે હાથ મિલાવી એનડીએના બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. કૉંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન માટે આ મોટો ઝટકો માનવામાં છે ત્યારે કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ વાતને નકારી છે અને અમારે નીતીશની જરૂર નથી અને તેઓ દબાણમાં આવીને ચાલ્યા ગયા છે, તેવા નિવેદનો આપ્યા છે. આ સાથે ગાંધીએ બિહારમાં જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના પૂર્ણિયામાં કહ્યું કે મેં નીતિશ કુમારને સ્પષ્ટ કહ્યું હતું કે તમારે બિહારમાં જાતિ ગણતરી કરાવવી પડશે. અમે નીતીશ પાસે જાતિ ગણતરી કરાવી હતી, પરંતુ ભાજપ નથી ઈચ્છતું કે દેશમાં જાતિ ગણતરી થાય.
આ દરમિયાન જ્ઞાતિની વસ્તી ગણતરીની માંગ કરતા તેમણે કહ્યું કે અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાય દેશનો સૌથી મોટો સમાજ છે, પરંતુ કોની કેટલી વસ્તી છે તે કોઈને ખબર નથી. આ વાત સ્પષ્ટ થવી જોઈએ કે દેશમાં કયો સમાજ કેટલી સંખ્યામાં જીવે છે, પરંતુ ભાજપ આમ ઈચ્છતી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળ રહી છે. હું તમને વિનંતી કરું છું કે અમને એક તક આપો અને અમે તમારો વિશ્વાસ પાછો મેળવવાનો પ્રયાસ કરીશું. તેમણે આગળ કહ્યું કે આ માત્ર શબ્દો નથી. અમે ખેડૂત-મૈત્રીપૂર્ણ જમીન સંપાદન બિલ લાવ્યા છીએ. અમે રૂ. 72,000 કરોડની લોન માફ કરી છે અને છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં જ્યાં અત્યાર સુધી કૉંગ્રેસ સત્તામાં હતી ત્યાં ખેડૂતોને તેમની પેદાશોના યોગ્ય ભાવ મળ્યા છે.
રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અનેક અડચણો આવી રહી છે. પંજાબમાં આમ આદમી પક્ષ એકલા લડવાની વાત કરે છે. પશ્ચિમ બંગાળમાં મમતા સાથે મેળ બેસતો નથી. હવે બિહારમાં નીતીશ છેડો ફાડી બેઠા છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ વધારે નમતું જોખે તેમ નથી. આ બધા વચ્ચે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ઈન્ડિયા ગઠબંધનની ગાંઠો ગૂંચવાઈ રહી છે. હવે આગળ શું થાય છે તેના પર સૌની નજર છે.