સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં રાહુલ ગાંધી-ખડગે ગેરહાજર, ભાજપે શું કર્યો કટાક્ષ ?

નવી દિલ્હી : સમગ્ર દેશમાં આજે 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી સતત 12 મી વખત તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે અંદાજે 5000 થી પણ વધારે મહેમાન હાજર રહ્યા હતા. જોકે, આ કાર્યક્રમમાં દેશના મહત્વના બે નેતા સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગે ગેરહાજર રહ્યા હતા. જોકે, તેની પર ભાજપે આકરો પ્રહાર કર્યો છે.
શરમ જનક વ્યવહાર : શહઝાદ પૂનાવાલા
આ અંગે ભાજપ નેતા શહઝાદ પૂનાવાલાએ એક્સ પર લખ્યું હતું કે, કોંગ્રેસના નેતા હાલમાં જ ટીવી ડિબેટમાં પૃષ્ટી કરી કે વિપક્ષ નેતા રાહુલ ગાંધી લાલ કિલ્લાના 15 ઓગસ્ટના કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા. આ એક રાષ્ટ્રીય પર્વ છે પરંતુ દુ:ખની વાત એ છે કે પાકિસ્તાન પ્રેમી રાહુલ ગાંધી, પીએમ મોદી વિરોધમાં દેશ અને સેનાનો વિરોધ કરી રહ્યા છે. આ શરમ જનક વ્યવહાર છે. શું આ જ સેના અને બંધારણનું સન્માન છે.
કોંગ્રેસે સત્તાવાર રીતે કોઇ ખુલાસો કર્યો નથી
રાહુલ ગાંધી અને મલ્લિકાઅર્જુન ખડગે લાલ કિલ્લામાં આયોજિત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા. પરંતુ કોંગ્રેસ પક્ષના કાર્યાલય પર આયોજિત કાર્યક્રમમાં તમામ કોંગ્રેસ નેતાઓ સામેલ થયા હતા. જેમાં કોંગ્રેસ
પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગે તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન વરસાદ પડ્યો હતો. કોંગ્રેસના નેતાઓ ચાલુ વરસાદે
રાષ્ટ્રગીત ગાયું હતું. જેમાં રાહુલ ગાંધી પણ હાજર હતા. જોકે, લાલ કિલ્લાના કાર્યક્રમમાં હાજર ન રહેવા બદલ કોંગ્રેસે સત્તાવાર રીતે કોઇ ખુલાસો કર્યો નથી.
આપણ વાંચો: મોદી સરકારની સ્વાતંત્ર્ય દિનની પોસ્ટમાં સરદાર-નહેરૂની બાદબાકી, સાવરકરને સ્થાન