‘વડા પ્રધાન મોદી માનસિક રીતે હારી ગયા છે’ જમ્મુ અને કાશ્મીરમાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
શ્રીનગર: કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી (Jammu and Kashmir assembly election) માટે આજથી પ્રચાર આભિયાનની શરૂઆત કરી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા છે, રામબન જીલ્લામાં એક રેલી સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષી INDIA ગઠબંધને મોદીને માનસિક રીતે હરાવી દીધા છે, ઉપરાંત રાહુલે દાવો કર્યો કે મોદી આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન મોદી કહી રહ્યા છે કે તેમની પાર્ટીને હરાવી શકાય નહીં અને ભગવાન સાથે તેમનો સીધો સંબંધ છે. વડાપ્રધાન મોદીએ ખુલ્લેઆમ કહ્યું કે તેઓ નોન-બાયોલોજીકલ છે, જ્યારે બાકીનું ઇન્ડિયા બાયોલોજીકલ છે. પરંતુ આ ચૂંટણીમાં ભગવાને તેમને સીધો સંદેશ આપ્યો છે કે તે (ભગવાન) જનતા સાથે વાત કરે છે અને તેમની ઈચ્છા પ્રમાણે કામ કરે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે “હું સંસદમાં તેમની સામે બેઠો છું અને તેમનો આત્મવિશ્વાસ ઉઠી ગયો છે. INDIA બ્લોકના સભ્યો એક થઈને લડ્યા છે. પીએમ મોદી લેટરલ એન્ટ્રી દ્વારા તેમના લોકોને સીસ્ટમમાં લાવવા માંગતા હતા, પરંતુ તેનો વિરોધ કરવામાં આવ્યો અને પછી ભાજપે તેનું વલણ બદલ્યું.”
આ પણ વાંચો : જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસના ચૂંટણી આભિયનની આજથી શરૂઆત, રાહુલ ગાંધી બે રેલીઓ સંબોધશે
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે નરેન્દ્ર મોદી દેશના લોકોથી ડરે છે. નરેન્દ્ર મોદી અને ભાજપને સત્તા પરથી હટાવવામાં થોડો સમય જ બાકી રહ્યો છે. તેમણે કહ્યું કે “અમે દેશમાં ભાઈચારો ઈચ્છીએ છીએ, જ્યાં દરેકનું સન્માન કરવામાં આવે અને લોકો એકબીજા સાથે ગૌરવ સાથે વાત કરે. પછાત વર્ગો, પછી ભલે તે ખેડૂતો હોય, મજૂરો હોય કે નાના વેપારી સૌને લાગવું જોઈએ કે આ દેશમાં તેમનો હિસ્સો છે. અમે ઈચ્છીએ છીએ કે એવું જમ્મુ અને કાશ્મીરમાં પણ થાય.”
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતીય ઈતિહાસમાં પહેલીવાર જમ્મુ અને કાશ્મીરને રાજ્યમાંથી ડાઉનગ્રેડ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રદેશ બનાવીને લોકોના અધિકારોને છીનવી લેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં 18મી, 25મી સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન થશે. બંને રાજ્યોની ચૂંટણી માટે મતગણતરી 8 ઓક્ટોબરે થશે.