રાહુલ ગાંધીને આંચકોઃ ગૃહ પ્રધાન વિરુદ્ધની ટિપ્પણીના કેસમાં હાઈ કોર્ટે અરજી ફગાવી

રાંચીઃ માનહાનિના કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈ કોર્ટે સૌથી મોટો આંચકો આપ્યો છે. 2018માં ગૃહ પ્રધાન અમિત શાહ અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી અરજી હાઈ કોર્ટે ફગાવી છે. એમપી એમએલએ કોર્ટના સમન્સ સામે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી રાહુલ ગાંધીની અરજીને ફગાવી છે, જ્યારે હવે તેમની સામે નીચલી કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવશે.
ગત સુનાવણીમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ગયા મહિના દરમિયાન ઝારખંડ હાઈ કોર્ટે રાહુલ ગાંધીની અરજીની સુનાવણી વખતે નીચલી કોર્ટ પાસેથી રેકોર્ડ માગ્યા હતા. અરજીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અંગે કથિત અપમાનજનક ટિપ્પણી કરવા મુદ્દે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના કાર્યકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજી કરવામાં આવી હતી. રાંચી જ્યુડિશિયલ કમિશનર વતીથી જારી કરેલા આદેશને રદ્દ કરવાની રાહુલ ગાંધીએ અરજી હાઈ કોર્ટમાં કરી હતી.
ભાજપના નેતા નવીન ઝાએ 28 એપ્રિલ, 2018માં રાંચી કોર્ટમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આરોપ મૂક્યો હતો કે અઢારમી માર્ચ, 2018ના કોંગ્રેસના પ્લેનરી સેશનમાં રાહુલ ગાંધીએ ભાજપની સામે ભાષણ કર્યું હતું અને શાહને હત્યાના આરોપી કહ્યા હતા. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગાંધી દ્વારા આપવામાં આવેલું નિવેદન ફક્ત ખોટું નથી, પરંતુ જે ભારતીય જનતા પાર્ટી માટે નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે તે તમામ કાર્યકર્તાઓ, ટેકેદારો અને નેતાઓનું પણ અપમાન છે.
આ ફરિયાદ પછી રાંચીની મેજિસ્ટ્રેટ કોર્ટે ઝાની ફરિયાદને ફગાવી હતી. ત્યાર બાદ તેમણે રાંચીના ન્યાયિક કમિશનર સમક્ષ ક્રિમિનલ રિવિઝન પિટિશન દાખલ કરી હતી. રાંચી જ્યુડિશિયલ કમિશનરે પંદરમી સપ્ટેમ્બર, 2018ના રોજ રિવિઝન પિટિશનને મંજૂરી આપી હતી.
એના પછી મેજિસ્ટ્રેટના રેકોર્ડ મુદ્દે ઉપલબ્ધ પુરાવાની ફરી તપાસ કરવા અને એક નવો આદેશ બહાર પાડવાનો આદેશ આપ્યો હતો. પરિણામે મેજિસ્ટ્રેટે 28 નવેમ્બર, 2018ના તેની નોંધ લીધી હતી અને સમન્સ જારી કર્યું હતું. એના પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પંદરમી સપ્ટેમ્બર 2018ના રાંચીની જ્યુડિશિયલ કમિશનરના રિવિઝનના આદેશને રદ્દ કરવા માટે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. 16 મે, 2023ના જસ્ટિસ અંબુજ નાથની સિંગલ બેન્ચ સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ દલીલ કરી હતી કે અરજદારને આ કેસમાં પીડિત માની શકાય નહીં.