રાહુલ ગાંધી હવે સુવર્ણમંદિરમાં લંગર સેવા કરતા જોવા મળ્યા…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પંજાબના અમૃતસર સ્થિત સુવર્ણમંદિરની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત પાછળ કોઇ રાજકીય હેતુ નહિ પરંતુ ખાનગીપણે જ તેમને સુવર્ણમંદિરમાં માથું ટેકવવાની ઇચ્છા થઇ હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. સવારે 10 વાગ્યે તેઓ હરિમંદિર સાહબ પહોંચ્યા હતા અને ત્યાં નતમસ્તક થઇ તેમણે લંગરમાં સેવા પણ આપી હતી.

રાહુલ ગાંધીના પ્રવાસને લઇને સુવર્ણમંદિરની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ એક ખાનગી મુલાકાત હોવાથી કોંગ્રેસના કોઇ અન્ય નેતા તેમની સાથે જોવા મળ્યા ન હતા. જો કે તેમને એરપોર્ટ પર રિસીવ કરવા માટે વિપક્ષ નેતા પ્રતાપસિંહ બાજવા, સુખબિંદર સિંહ સરકારિયા, સાંસદ ગુરજીતસિંહ ઓજલા સહિત નેતાઓ ઉપસ્થિત રહેવાના હતા પરંતુ હાઇકમાન્ડથી તેમને સ્વાગત કાર્યક્રમ જેવા આયોજનો ટાળવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધી આજનો આખો દિવસ અમૃતસરમાં વિતાવશે, તેમની રહેવાની વ્યવસ્થા ખાનગી હોટલમાં કરી દેવામાં આવી છે. તેમણે પોતાનો પ્રવાસ ખાનગી હોવાનો અને કોઇપણ કોંગ્રેસ નેતા સાથે મુલાકાતનો ન હોવાનું જણાવ્યું છે. લંગર સેવા, વાસણો માંજવા, જોડા સીવવા જેવી સેવાઓ કરવાની તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે જિલ્લા કોંગ્રેસ કમિટીએ અમૃતસરમાં ઠેર ઠેર તેમના આગમનના પોસ્ટરો લગાવી દીધા છે.