J&K Assembly Election: રાહુલ ગાંધીએ લાલ ચોકમાં આઈસ્ક્રીમનો આનંદ માણ્યો, આજે મહત્વની બેઠક
શ્રીનગર: ECI (ચૂંટણી પંચે) જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે, બંધારણની કલમ 370 હટાવવા અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન બાદ પહેલીવાર જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, માટે આ ચૂંટણી દરેક રાજકીય પક્ષ માટે મહત્વની છે.
રાહુલ ગાંધીએ ગઈકાલે સાંજે શ્રીનગરની અહદુસ રેસ્ટોરન્ટ માં તેમના સાથીદારો સાથે દીનાર કર્યું અને બાદમાં લાલ ચોકમાં આઈસ્ક્રીમનો આનંદ માણ્યો હતો. અહદૂસને શહેરની પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે, જે તેની કાશ્મીરી ‘વાઝવાન’ વાનગીઓ માટે પ્રખ્યાત છે, રેસ્ટોરન્ટથી જેલમ નદીનો નજારો દેખાય છે, હોટલની આસપાસ વ્યાપક સુરક્ષા ગોઠવવામાં આવી હતી.
રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બુધવારે શ્રીનગર પહોંચ્યા, ત્યાં તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આજે ગુરુવારે શ્રીનગરમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરશે અને પછી 11.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. ત્યારબાદ તેઓ અન્ય નેતાઓ સાથે મુલાકાત કરવા બપોરે 2.15 વાગ્યે જમ્મુ જશે.
કોંગ્રેસ અને ભાજપ બંને તેમની પાર્ટીને અનુરૂપ વિચારધારા ધરાવતા સ્થાનિક પક્ષો સાથે ગઠબંધનના વિકલ્પો શોધી રહ્યા હોવાથી પ્રદેશમાં રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો છે. કોંગ્રેસ નેતૃત્વ નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરે તેવી અપેક્ષા છે, જે બંને INDIA ગઠબંધનના ભાગ છે.
ભારતીય જનતા પાર્ટીએ તેના નેતા રામ માધવને ચૂંટણી પહેલા સ્થાનિક નેતાઓ સાથે જોડાવવા માટે શ્રીનગર મોકલ્યા છે. માધવે 2015માં પીડીપી-ભાજપ ગઠબંધન બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી, મુફ્તી સઈદ અને બાદમાં મહેબૂબા મુફ્તી સાથે મળીને કામ કર્યું હતું.
ચૂંટણી પંચ (ECI) એ 16 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે અને પરિણામ 4 ઓક્ટોબરે જાહેર થશે.